પહલગામ આતંકી હુમલા બાદ અમદાવાદમાં મોટું એક્શન, ‘મિની બાંગ્લાદેશ’ કરાયું સાફ, જુઓ 7 તસવીરો
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર અંદાજે 1200 હેક્ટર જેટલો વિસ્તાર આવરી લે છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં, પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે ચર્ચિત રહ્યું છે.

અમદાવાદમાં ચંડોળ તળાવની આસપાસ તમામ નાની અને સાંકડી ગલીઓ ગંદકીથી ભરેલી હોય છે. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે સાઈકલ પણ પસાર ન થઈ શકે. આ એ જ બંગાળીવાસ છે જ્યાં બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમો વર્ષોથી વસવાટ કરે છે. તેમાં અહીં કેટલાક બાંગ્લાદેશી મુસ્લિમો પણ રહે છે, જેઓ પોતાને ભારતીય નાગરિક તરીકે ઓળખાવે છે.

આવા ઘૂસણખોરોના કારણે અહીં વર્ષોથી વસતા સ્થાનિક મુસ્લિમોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તાર એટલો સંવેદનશીલ છે કે બહારથી આવનાર વ્યક્તિ માટે જોખમભર્યો બની શકે છે.

અમદાવાદના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં કરવામાં આવી છે, જેને લઈને મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો. કુલ 18 લોકોએ ડિમોલિશન પર સ્ટે લાવવા માટે અરજી કરી હતી, જેના પર હાઇકોર્ટે સવારે 11:15 થી 12:45 સુધી દોઢ કલાક સુધી સુનાવણી કરી હતી.

અરજદારોએ દલીલ કરી કે ડિમોલિશન નીતિ-નિયમોના વિરુદ્ધ છે અને અહીં રહેતા લોકો બાંગ્લાદેશી છે તે પુરવાર થયું નથી. તેમને કોઇ નોટિસ આપવામાં આવી નથી અને પુનર્વસન અંગે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. તેઓએ જણાવ્યું કે રહેતા લોકો ભારતીય નાગરિકો છે કે નહીં તે નક્કી કરવાનું કાર્ય ફોરેન ટ્રિબ્યુનલનું છે, પોલીસનું નહીં. છતાં હાઇકોર્ટે તેમની અરજી નકારી કાઢી અને ડિમોલિશનને લીલી ઝંડી આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી..

અરજદારોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે અરજદારો છેલ્લા 50 વર્ષથી અહીં રહે છે. જો તેઓ ગેરકાયદેસર રહેતા હોય તો પણ તેમને ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવામાં આવવી જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે પોલિસે ધરપકડ કરેલા લોકોમાંથી મોટાભાગે ભારતીય નિકળ્યા હતા, ત્યારે બધાને બાંગ્લાદેશી ગણાવવાની કામગીરી શોક જનક છે.

સરકારે દલીલ કરી કે આ વિસ્તારમાં ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યુશન અને આતંકી સંગઠનો સાથે સંકળાયેલા તત્વો સક્રિય છે. ચાર બાંગ્લાદેશી નાગરિકોની અલ કાયદા સાથે સંડોવણી સામે આવી છે અને તેમની ધરપકડ પણ થઈ છે. સરકાર મુજબ બાળકોને પણ પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવામાં આવી રહ્યા છે, અને ચંડોળા તળાવના વિસ્તારમાંથી મની લોન્ડ્રિંગ અને ખોટા દસ્તાવેજો બનાવવાની પ્રવૃત્તિઓ પણ સામે આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર ભરત પરમાર મુજબ 1500 થી 2000 જેટલા ઝૂંપડાઓમાંથી લગભગ 50 થી 60 ટકા ડિમોલિશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. 7 ઝોનની એસ્ટેટ ટીમો અને AMCની ટીમે 50 જેટલી JCB મશીનો સાથે કડકાઇ શરૂ કરી છે.

ચંડોળા તળાવના આજુબાજુ વર્ષોથી ગેરકાયદે બાંધકામો થતી આવી છે, જેને હવે તોડી પાડવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર શાહઆલમ પાસે આવેલ છે અને અહીં વર્ષોથી ગેરકાયદે બાંગ્લાદેશી વસાહત ચાલી રહી છે. હવે તેને ધ્વસ્ત કરવાની કામગીરી તેજ ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે. (All Image - Twitter)
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અમદાવાદના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
