મતદાન પૂર્ણ થયા પછી EVM સાથે શું થાય છે ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
ઈવીએમ મશીનમાં અનેક પક્ષોના ઉમેદવારોના ભાવિ નક્કી થતા હોય છે. ઈવીએમમાં વોટ આપ્યા પછી તેમાં સ્ટોર થયેલા પરિણામોને ખાસ પ્રક્રિયા અનુસાર સુરક્ષિત રાખવામાં આવે છે.


મતદાન પછી મતગણતરી સુધી ઈવીએમને એક ખાસ પ્રક્રિયા અનુસાર સાચવવામાં આવે છે. ચાલો જાણીએ આ સંપૂર્ણ પ્રક્રિયા વિશે.

ઈવીએમને સીલ કરવુ - મતદાન બાદ ઈવીએમને સીલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર થાય છે. મતદાન મથકના પ્રિસાઈડિંગ ઓફિસર, ઉમેદવારો, અન્ય અધિકારીઓ કે પોલિંગ એજન્ટની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. એક ખાસ નંબરવાળા કાગળની મદદથી ઈવીએમને સીલ કરવામાં આવે છે. કાગળ અને ગરમ લાખને ખાસ પીતલથી સીલ કરીને ઈવીએમને બંધ કરવામાં આવે છે. તેમાં દોરીનો પણ ઉપયોગ થાય છે. અંતે ત્યા સ્થિત અધિકારીઓથી લઈને પોલિંગ એજન્ટની આ પ્રક્રિયા પૂર્ણ થવામાં સાક્ષી રુપે સહી કરવામાં આવે છે.

મતદાન મથકથી સ્ટ્રોંગ રુમ સુધી - ઈવીએમને સીલ કર્યા બાદ મતદાન મથકથી સ્ટ્રોંગ રુમ સુધી ઈવીએમ અને બેલેટ બોક્સને સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે. તે સમયે તે વાહનમાં પોલિંગ એજન્ટ અને ચૂંટણી અધિકારીઓ હાજર હોય છે. ઈવીએમને કોઈ ખાનગી વાહનમાં લઈ જઈ શકાય નહીં.

સ્ટ્રોંગરુમને સીલ કરવુ - શહેરના તમામ મતદાન મથકથી સીલ થયેલા ઈવીએમને સ્ટ્રોંગરુમમાં લાવ્યા પછી સ્ટ્રોંગરુમને મતગણતરીના દિવસ સુધી સીલ કરવામાં આવે છે.

ઈવીએમવાળા સ્ટ્રોંગ રુમની સુરક્ષા - ત્રણ સ્તરમાં સ્ટ્રોંગ રુમની સુરક્ષા કરવામાં આવે છે. સ્ટ્રોંગ રુમની દેખરેખ માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળ, કેન્દ્રીય દળ અને રાજ્ય પોલીસના જવાનો હાજર હોય છે. સ્ટ્રોંગ રુમની અંદર અને બહાર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. જણાવી દઈએ કે કેટલાક પક્ષના કાર્યક્રર્તાઓ પણ કોઈ ગડબડ ન થાય તેના માટે સ્ટ્રોંગ રુમની બહાર દૂરના અંતર પર બેઠા જ હોય છે.

મતગણતરી પહેલા સ્ટ્રોંગ રુમ ખોલવો - કોઈપણ વ્યક્તિ જ્યારે સ્ટ્રોંગ રુમની મુલાકાત લેવા જાય છે ત્યારે તેની માહિતી નોધવામાં આવે છે. સ્ટ્રોંગ રુમને ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવે છે. સ્ટ્રોંગ રુમથી મતગણતરી કેન્દ્ર સુધી બંને તરફ બેરિકેટવાળા રસ્તા પરથી ઉચ્ચ સુરક્ષા સાથે લઈ જવામાં આવે છે. સીલની ચકાસણી કર્યા બાદ મતગણતરી શરુ થાય છે.



























































