બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ સેશન, શુભમન ગિલ જસપ્રીત બુમરાહ સાથે ટકી શક્યો નહીં
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમશે. આ મેચ બેંગલુરુમાં રમાશે. મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ બુધવારે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. સેશનમાં બેટ્સમેનોએ ઝડપી બોલર જસપ્રીત બુમરાહના તીક્ષ્ણ બોલનો પણ સામનો કર્યો હતો. શુભમન બૂમરાહની બોલિંગને ડિફેન્સ કરતો જોવા મળ્યો હતો.

શુભમન ગિલે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્ના સામે આક્રમક વલણ અપનાવ્યું હતું અને તેમની સામે શુભમને લાંબા શોટ ફટકાર્યા હતા.

જ્યારે શુભમન ગિલનો સામનો જસપ્રીત બુમરાહ સામે થયો ત્યારે તેણે રક્ષણાત્મક બેટિંગ કરી હતી. તે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હોવા છતાં, બુમરાહે એક સેકન્ડ માટે પણ તેને હળવાશથી ન લીધો. તેણે 20 મિનિટ સુધી તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ બોલિંગ કરી હતી.

વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હોવાથી તેમાં ભાગ લીધો ન હતો, જ્યારે અન્ય ખેલાડીઓએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેટમાં સમય વિતાવ્યો હતો.

ભારતીય ટીમ મંગળવારે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે 243 રનની મોટી જીત નોંધાવ્યા બાદ અહીં પહોંચી હતી. આ પછી ખેલાડીઓએ એક દિવસ આરામ કર્યો હતો.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.
