IND vs ENG : અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ભારતે 14 વર્ષ પછી ઈંગ્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ
ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદ વનડેમાં મોટી જીત નોંધાવીને વનડે શ્રેણી 3-0થી જીતી લીધી. 14 વર્ષ પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. અમદાવાદ વનડેમાં જીતનો હીરો શુભમન ગિલ હતો, જેણે 112 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદ વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 142 રનથી હારનો સામનો કરવો પડ્યો.

આ સાથે ભારતીય ટીમે વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતીય ટીમે નાગપુર અને કટક વનડેમાં પણ ઈંગ્લેન્ડને એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. 14 વર્ષ પછી ભારતે ઈંગ્લેન્ડને ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે.

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો શુભમન ગિલ હતો, જેણે પોતાની ODI કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. ગિલે પોતાની ઈનિંગમાં 112 રન બનાવ્યા અને 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

ગિલ ઉપરાંત શ્રેયસ અય્યરે 78 રનની ઈનિંગ રમી, જ્યારે વિરાટ કોહલીએ પણ 52 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 451 દિવસ પછી ODI ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી.

ભારતીય ટીમના તમામ બોલરોને વિકેટ લેવામાં સફળતા મળી હતી. અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ, જ્યારે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડની હારનું મુખ્ય કારણ તેના બેટ્સમેન હતા. સોલ્ટ, ડકેટ, બેન્ટન, રૂટ, બ્રુક બધાએ સારી શરૂઆત કરી હતી પરંતુ તેમાંથી કોઈ પણ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યું નહીં. બેન્ટને સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. ડકેટે 34, સોલ્ટે 23, રૂટે 24, બ્રુકે 19, લિવિંગસ્ટોને 9 અને બટલરે ફક્ત 6 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે છેલ્લા 11 વર્ષમાં ઈંગ્લેન્ડ સામે સૌથી મોટી ODI જીત મેળવી છે. રનની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સામે આ બીજી સૌથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયાએ 2008માં રાજકોટ વનડેમાં ઈંગ્લેન્ડને 158 રનથી હરાવ્યું હતું અને હવે અમદાવાદમાં 142 રનથી જીત મેળવી છે.

એટલું જ નહીં, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચોથી વખત દ્વિપક્ષીય શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. તેણે ધોની અને વિરાટને પાછળ છોડી દીધા છે. (All Photo Credit : X / BCCI / PTI)
ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































