રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ, અધિકારીની દાદાગીરી કેમેરામાં થઈ કેદ
રાજકોટમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો. ખેડૂતોએ ખરીદ કેન્દ્રના મજૂરો પર ગંભીર આરોપ લગાવ્યા. મજૂરો ગુણી દીઠ 5 રૂપિયા વસુલતા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો.
રાજકોટના ધોરાજીમાં મગફળી ખરીદ કેન્દ્ર પર વિવાદ વકર્યો છે. ખેડૂતોએ ખરીદ કેન્દ્રના મજૂરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મગફળીની એક ગુણી દીઠ મજૂરો 5 રૂપિયા માંગતા હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મજૂરોને તેમના કામના પૈસા મળતાં હોવા છતાં ખેડૂતો પાસે ગુણી દીઠ પૈસા માગી દાદાગીરી કરી રહ્યા છે. સાથે જ જો કોઈ ખેડૂત પૈસા આપવાનું ના પાડે તો મજૂરો મગફળીની ગુણી તોલવાનું બંધ કરી દેતા હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે.
આ સમગ્ર મામલે જ્યારે ખેડૂતોએ ખરીદ કેન્દ્રના અધિકારીને રજૂઆત કરી ત્યારે અધિકારી પણ ખેડૂતોને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા નજરે પડ્યા. સાથે જ કેમેરાથી ભાગતા જોવા મળ્યા. અધિકારીની દાદાગીરીનો ખેડૂતોએ વીડિયો બનાવ્યો. ત્યારે હવે મજૂરો ગુણી દીઠ પૈસા માગવાનું બંધ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
ખેડૂતોનો આરોપ છે કે મજૂરો કોથળા ઢપકારવાના અલગથી પાંચ રૂપિયા માગતા હતા. ત્યારે ખેડૂતોની રજૂઆત છે કે અમારુ સેમ્પલ કમ્પલિટ પાસ થઈ ગયુ છે તો કોથળા શેના ઠપકારવાના હોય? ત્યારે ખેડૂતોની રજૂઆત છે કે તેમને મગફળી કેન્દ્ર તરફથી મજૂરી આપવામાં જ આવે છે તો ખેડૂતો પાસેથી વધારાની મજૂરી કેવી રીતે માગી શકે. અલગથી પાંચ રૂપિયા આપવાની ના પાડતા મજૂરે કાંટો લઈને ચાલતી પકડી હતી. ખેડૂતોનું કહેવુ છે કે જવાબદાર અધિકારી કોઈ હાજર ન હોવાથી મજૂરો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.