શું ખરેખરમાં ‘અમદાવાદ’ના આ સ્થળો ભૂતિયા છે ? હિંમત હોય તો જ વાંચજો નહીં તો….
કહેવાય છે કે, અમદાવાદનો દરેક ખૂણો તેના સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે. જો કે, અમદાવાદના કેટલાંક ખૂણા રહસ્યોથી ભરેલા છે. હા, વાત એમ છે કે અમદાવાદમાં 5 સ્થળો એવા છે કે જે ભૂતિયા સ્થળ તરીકે ઓળખાય છે. જો તમારામાં હિંમત હોય તો જ આગળ વાંચજો કે અમદાવાદના 5 ભૂતિયા સ્થળો કયા છે.

'અમદાવાદ' ગુજરાતનું એક વિકાસશીલ શહેર તો ખરું પણ કેટલીક જગ્યાઓ એવી છે કે, જેને લોકો આજે ભયાનક અને રહસ્યમય માને છે. ઘણા લોકો અહીં 'પેરાનોર્મલ' (અલૌકિક) ઘટનાઓના અનુભવની વાત કરે છે. તો ચાલો જાણીએ, અમદાવાદના 5 એવા સ્થળો વિશે કે જેને લોકો 'ભૂતિયા' માને છે.

બગોદરા રોડ: અમદાવાદથી બહાર જતો આ માર્ગ લોકોના રુવાડાં ઉભા કરી દે તેવો અનુભવ કરાવે છે. એવું કહેવાય છે કે, અહીંનો હાઇવે ખતરનાક છે કારણ કે આ હાઇવે પર ઘણા અકસ્માતો થાય છે. રાત્રે વાહન ચલાવતા લોકોને વિચિત્ર અવાજો સંભળાય છે. આ અવાજો વાહનચાલકોનું ધ્યાન ભંગ કરે છે અને પછી અકસ્માતો થાય છે. ઘણા લોકોનું કહેવું છે કે, અહીંના રસ્તાઓ પર રહસ્યમય મહિલાઓ અને ભિખારીઓ જોવા મળે છે.

લાલ દરવાજા બસ ટર્મિનલ: આ એક એવું સ્થળ કે જે દિવસના સમયે યાત્રીઓથી ખચાખચ ભરેલું હોય છે. જો કે, આ બસ સ્ટેશન રાત્રે આખું બદલાઈ જાય છે. અહીં કેટલાક લોકોને અજીબ અવાજો સંભળાય છે અને કેટલીકવાર તો કોઇની પડછાઈ પણ દેખાઈ આવી છે. વધારે ભયજનક વાત તો એ કે, અહીં કેટલાંક લોકોને એવું અનુભવાય છે કે કોઈ તેમની પાછળ ચાલી રહ્યું છે.

સરખેજ રોઝા: આ ઐતિહાસિક સ્મારક તેની સુંદર મસ્જિદો અને સમાધિઓ માટે જાણીતું છે પણ રાત્રે કે સાંજે જે પણ લોકો અહીં આવે છે તે લોકોને અચાનક ઠંડી લાગવા લાગે છે, ચહેરા પર જાણે કોઈ હવા ફેંકતું હોય તેવો અનુભવ થાય છે. આ સિવાય તેમની આસપાસ કોઈ અજાણ વ્યક્તિ હાજર હોય તેવું મહેસૂસ થાય છે.

સિગ્નેચર ફાર્મ: શહેરની બહાર આવેલું આ ફાર્મ હાઉસ હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. રાત્રે અચાનક લાઇટ બંધ થઇ જવી, અજાણ્યાં પડછાયાઓ દેખાવા અને ચારેય બાજુથી શાંત રહેતું આ માહોલ લોકોમાં ડર ઊભો કરે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, અહીં વિચિત્ર અવાજો સંભળાય છે. આ ફાર્મહાઉસ પ્રવાસીઓનો જીવ અધ્ધર કરી દે છે. અહીં જાતે જ દરવાજો ખૂલી જવો, કોઈની હાજરી વિના કોરિડોરમાંથી દરવાજો ખખડે તેનો અવાજ અને રૂમમાં તો કોઇની પડછાઈ દેખાય છે.

ચાંદખેડા રેલ્વે સ્ટેશન: આ રેલવે સ્ટેશનની જ્યારે પણ વાત આવે ત્યારે લોકોના પરસેવા છૂટી જાય છે. કહેવાય છે કે, અહીં એક મહિલાની આત્મા વસવાટ કરે છે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે, રાત્રે લગભગ બે વાગ્યે ટ્રેન ટ્રેકની નજીક સફેદ કપડાંમાં એક સ્ત્રી દેખાય છે. આ સ્ત્રીને જોઇને લોકો ડરી જાય છે અને અચરજ પામે છે. આ સ્ત્રી થોડા ક્ષણો માટે દેખાય છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે.
(નોંધ : TV9 Gujarati કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે ભૂત પ્રેતની વાતને સહેજ પણ પ્રોત્સાહન આપતું નથી. આ સમાચાર પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતીના આધારે રજૂ કરવામાં આવ્યા છે. ભૂત પ્રેત કે આત્માની વાતનો કોઈ વૈજ્ઞાનિક આધાર પૂરાવો નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
