NPS બન્યું વધુ નફાકારક, રોકાણકારો માટે ખૂલી નવી તકો, આજે જ જાણી લો
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ના રોકાણકારો માટે PFRDA એ નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે સોના-ચાંદીના ETF, નિફ્ટી 250 ઇન્ડેક્સ અને વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIF) જેવી નવી સંપત્તિ શ્રેણીઓમાં રોકાણ કરી શકાશે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સાથે જોડાયેલા રોકાણકારો માટે ખુશખબર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPS, યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) અને અટલ પેન્શન યોજના (APY) માટેના રોકાણ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ બદલાવ હેઠળ હવે સોનાના અને ચાંદીના ETF, નિફ્ટી 250 ઇન્ડેક્સ તેમજ વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIF) જેવી નવી સંપત્તિ શ્રેણીમાં પણ રોકાણ શક્ય બન્યું છે.

આ માહિતી PFRDA દ્વારા 10 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા માસ્ટર સર્ક્યુલરમાં આપવામાં આવી છે. આ નવું સર્ક્યુલર અગાઉના તમામ રોકાણ સંબંધિત પરિપત્રોને રદ્દ કરે છે અને તાત્કાલિક અમલમાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પેન્શન યોજનાઓને વધુ આધુનિક, લવચીક અને વળતર-કેન્દ્રિત બનાવવાનો છે.

PFRDA મુજબ, આ માસ્ટર સર્ક્યુલર PFRDA એક્ટ 2013 અને પેન્શન ફંડ રેગ્યુલેશન્સ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં NPS, UPS અને APY માટે ઇક્વિટી, દેવું, ETF (સોના અને ચાંદી સહિત) તેમજ અન્ય સંપત્તિઓમાં સ્પષ્ટ રોકાણ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે, જેથી જોખમ નિયંત્રણ સાથે લાંબા ગાળે સારું વળતર મળી શકે.

ટાટા પેન્શન મેનેજમેન્ટના CEO કુરિયન જોસેફે જણાવ્યું હતું કે, નવા રોકાણ નિયમો NPS ને વધુ આધુનિક બનાવે છે. સોના-ચાંદીના ETF, AIF, REIT, InvIT અને મ્યુનિસિપલ બોન્ડ જેવા નવા એસેટ વર્ગો પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ લાવશે, જેના કારણે જોખમ સંચાલન સાથે વળતર વધવાની સંભાવના રહેશે.

નવા નિયમો અનુસાર, NPS, UPS અને APY માટે સરકારી બોન્ડમાં મહત્તમ 65 ટકા સુધી, કોર્પોરેટ દેવામાં 45 ટકા સુધી અને ટૂંકા ગાળાના દેવામાં 10 ટકા સુધી રોકાણ કરી શકાય છે. તે ઉપરાંત, ઇક્વિટી રોકાણની મર્યાદા મહત્તમ 25 ટકા રાખવામાં આવી છે, જેમાં હવે નિફ્ટી 250 ઇન્ડેક્સ અને સેન્સેક્સ/નિફ્ટી ETFનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અને અન્ય રોકાણોમાં મહત્તમ 5 ટકા સુધી રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં ગોલ્ડ અને સિલ્વર ETF (AUMના 1 ટકા સુધી), AIF કેટેગરી I અને II, REITs, InvITs અને એસેટ-બેક્ડ સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે.

આ ફેરફારો પેન્શન રોકાણોમાં વૈવિધ્યકરણ વધારશે, ફુગાવા અને બજારના ઉતાર-ચઢાવ સામે વધુ સારું રક્ષણ આપશે અને લાંબા ગાળે ઉત્તમ વળતરની સંભાવના ઊભી કરશે. સ્પષ્ટ છે કે હવે NPS માત્ર સુરક્ષિત યોજના જ નથી, પરંતુ વધુ વૈવિધ્યસભર અને વળતરલક્ષી પેન્શન વિકલ્પ બની રહી છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે, કોઈ પણ રોકાણ કરવામાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.)
Mutual fund : નવેમ્બર મહિનામાં શાનદાર પ્રદર્શન કરનારા ટોચના 10 ફંડ યાદી જુઓ
