સોના-ચાંદીને ભૂલી જાઓ ! આ ધાતુ પર નજર રાખજો, શું ખરેખરમાં આના ભાવ ભવિષ્યમાં સાતમા આસમાને પહોંચશે?
રોકાણકારો અને નિષ્ણાતો સોના અને ચાંદીને બાજુમાં મૂકીને હવે એક ખાસ ધાતુ પર નજર રાખી રહ્યા છે. રોકાણકારોમાં ચર્ચા તેજ બની છે કે, શું આ ધાતુ ભવિષ્યમાં સાતમા આસમાને પહોંચશે કે નહીં? શું આ ધાતુ સોના અને ચાંદી કરતાં પણ આગળ નીકળી શકે છે?

વૈશ્વિક કોમોડિટી બજારમાં કોપર ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરના મહિનાઓમાં રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પછી રોકાણકારો, ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ (Policy Makers) હવે તેની ભાવિ દિશા અંગે મુખ્ય બ્રોકરેજ કંપનીઓના અંદાજો પર નજર રાખી રહ્યા છે.

ગોલ્ડમેન સૅક્સ રિસર્ચનો તાજેતરનો અહેવાલ સૂચવે છે કે, વર્ષ 2026 માં કોપરના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ લાંબાગાળે આ ધાતુ મજબૂત સ્થિતિમાં કમબેક કરશે, તેવી અપેક્ષા છે. આ માત્ર માંગ અને પુરવઠા દ્વારા જ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી મુખ્ય વૈશ્વિક જરૂરિયાતો પણ છે.

ગોલ્ડમેન સૅક્સ રિસર્ચ અનુસાર, ડિસેમ્બર 2025 ની શરૂઆતમાં તાંબાના ભાવ પ્રતિ ટનના $11,771 ના રેકોર્ડ ઉચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ પાછળ ઘણા કારણો હતા. વ્યાજ દરોમાં ઘટાડો, યુએસ ડોલરમાં નબળાઈ અને ચીનના અર્થતંત્રમાં સુધારાની અપેક્ષાઓએ ઔદ્યોગિક ધાતુઓને ટેકો આપ્યો. આ ઉપરાંત, પુરવઠાની મર્યાદાઓ, નીતિગત ફેરફારો અને AI સેક્ટરમાં ભારે રોકાણને કારણે પણ કિંમતોમાં વધારો થયો.

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, વર્ષ 2026માં તાંબાના ભાવ પ્રતિ ટન $11,000 થી ઉપર રહેશે, તેવી શક્યતા ઓછી છે. આનું સૌથી મોટું કારણ વૈશ્વિક સ્તરે સરપ્લસ સપ્લાય છે. ગોલ્ડમેન માને છે કે, વર્ષ 2026માં પણ બજારમાં માંગ કરતાં તાંબાની ઉપલબ્ધતા થોડી વધારે રહી શકે છે.

ગોલ્ડમેન સૅક્સ રિસર્ચનો અંદાજ છે કે, લંડન મેટલ એક્સચેન્જ પર કોપરના ભાવ વર્ષ 2026 સુધી પ્રતિ ટન $10,000 થી $11,000 ની રેન્જમાં રહેશે. રિપોર્ટ અનુસાર, પાવર ગ્રીડ અને એનર્જિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ તરફથી મજબૂત વૈશ્વિક માંગ ભાવને $10,000 થી નીચે આવવા દેશે નહીં. ફર્મનો અંદાજ છે કે, વર્ષ 2026 ના પહેલા 6 મહિનામાં તાંબાનો સરેરાશ ભાવ પ્રતિ ટન $10,710 આસપાસ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે, ઘટાડો મર્યાદિત રહેશે અને બજારમાં એક પ્રકારનું સંતુલન જોવા મળશે.

ચીન હંમેશા તાંબાના બજારને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતું આવ્યું છે. અહેવાલ મુજબ, વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં ચીનમાં રિફાઇન્ડ કોપરની માંગમાં વાર્ષિક ધોરણે આશરે 8 ટકાનો ઘટાડો થયો છે. સરકારી પ્રોત્સાહનો અને ટેરિફ (Government Incentives & Tariff) સંબંધિત ઉતાવળને કારણે માંગમાં વધારો હવે નબળો પડી રહ્યો હોય તેવું લાગે છે. ચીનના બાંધકામ, રિયલ એસ્ટેટ અને કેટલાક ઔદ્યોગિક સેક્ટરમાં મંદીની સીધી અસર તાંબાના વપરાશ પર પડી છે, જેના કારણે વર્ષ 2026 સુધી ભાવ દબાણ હેઠળ રહી શકે છે.

ગોલ્ડમેન સૅક્સના મતે, વૈશ્વિક કોપર બજારમાં વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 0.5 મિલિયન ટનનો સરપ્લસ હોઈ શકે છે, જે અગાઉના અંદાજ કરતાં વધુ છે. જો કે, આ સરપ્લસ વર્ષ 2026માં ઘટીને લગભગ 0.16 મિલિયન ટન થવાની ધારણા છે. વર્ષ 2026 માં કોપરના બજારને અસર કરતું એક મુખ્ય પરિબળ અમેરિકાની ટ્રેડ પોલિસી હોઈ શકે છે. અહેવાલો અનુસાર, યુએસ 'રિફાઇન્ડ કોપર આયાત' પર ઓછામાં ઓછા 25 ટકા ટેરિફ લાદવાનું વિચારી શકે છે. જૂન 2026 સુધીમાં યુએસ વાણિજ્ય સચિવ (Commerce Secretary) તરફથી આ અંગે ભલામણ અપેક્ષિત છે.

જો આવું થશે, તો ટેરિફ લાગુ થાય તે પહેલાં અમેરિકામાં તાંબાની આયાતમાં વધારો થઈ શકે છે. કંપનીઓ ટેક્સથી બચવા માટે અગાઉથી જ સ્ટોક કરી શકે છે. આનાથી વર્ષ 2026 માં માંગમાં થોડા સમય માટે વધારો થશે પરંતુ ટેરિફ લાગુ થયા પછી ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે તેમાં સુધારો જોવા મળશે.

'ગોલ્ડમેન સૅક્સ રિસર્ચ'ના મુજબ લાંબાગાળે કોપર ખૂબ જ તેજીમાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2029 પછી કોપરની માંગ પુરવઠા કરતાં વધી શકે છે. આનાથી કિંમતો પર દબાણ વધશે અને નવા સપ્લાયને પ્રોત્સાહન મળશે. આગામી વર્ષોમાં AI, ડિફેન્સ અને પાવર ગ્રીડમાં મોટાપાયે રોકાણને કારણે કોપરની માંગ ઝડપથી વધવાની ધારણા છે. એવો અંદાજ છે કે, વર્ષ 2030 સુધીમાં તાંબાની માંગમાં 60 ટકાથી વધુ ગ્રોથ ફક્ત ગ્રીડ અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા થશે.

અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં 'ચીન' તાંબાની માંગમાં લગભગ અડધો હિસ્સો ધરાવશે. જો કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ પણ ઊર્જા સુરક્ષા અને માળખાગત રોકાણને કારણે ઝડપથી તેમનો હિસ્સો વધારી રહ્યા છે. બીજીબાજુ, કેટલાક સેક્ટરમાં 'એલ્યુમિનિયમ' કોપરનું સ્થાન લઈ શકે છે પરંતુ તેની માંગ પર થોડી અસર પડશે.

એકંદર રીતે કહીએ તો, આગામી દાયકામાં કોપર એક ખાસ સ્ટ્રેટેજિકલ ધાતુ રહેશે. ગોલ્ડમેન સૅક્સ રિસર્ચે વર્ષ 2035 સુધીમાં તાંબાના ભાવ પ્રતિ ટન $15,000 રહેવાની આગાહી કરી છે, જે વર્તમાન બજાર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આ દર્શાવે છે કે, વર્ષ 2026 માં ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ લાંબાગાળે કોપર તેની ચમક જાળવી રાખે તેવી શક્યતા છે.
Stock Market: લાખો રોકાણકારો માટે ખુશખબરી ! દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આપશે ‘દમદાર ડિવિડન્ડ’, શું આ શેર 200 રૂપિયાને પાર જશે?
