‘સોના’ કરતાં પણ ચમકદાર ચાંદી ! ભાવ પહેલીવાર ₹2 લાખને પાર, શું 2026 સુધીમાં ₹2.50 લાખનો નવો રેકોર્ડ બનશે?
આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવ 120 ટકા વધીને 2 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. વિશ્લેષકો આગાહી કરે છે કે માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે, ભાવમાં વધારો જોવા મળશે. જાણો નિષ્ણાતો શું કહ્યું......

આ વર્ષે ચાંદીએ રોકાણકારોને ચકિત કરી દીધા છે. વર્ષ દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ 120 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આ ઉછાળાને કારણે શુક્રવારે સ્થાનિક બજારમાં પહેલીવાર ચાંદીનો ભાવ ₹2 લાખને વટાવી ગયો. નોંધપાત્ર વાત એ છે કે 1979 પછી 46 વર્ષમાં આવો મોટો ઉછાળો પહેલીવાર જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીની તેજી અહીં અટકવાની નથી અને આવનારા સમયમાં ભાવમાં વધુ વધારો શક્ય છે.

શા માટે વધી રહ્યા છે ચાંદીના ભાવ? - નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે પુરવઠાની અછત અને વધતી માંગના કારણે થયો છે. વૈશ્વિક ખાણકામ ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ સ્થિર છે, જ્યારે માંગ સતત વધી રહી છે. ચાંદીનો મોટો હિસ્સો સીસું, જસત અને તાંબા જેવા ધાતુઓના બાયપ્રોડક્ટ તરીકે મળે છે, જેના કારણે પુરવઠો ઝડપથી વધારી શકાય તેમ નથી. આ સ્થિતિને કારણે બજારમાં ચાંદીની અછત સર્જાઈ છે.

ખાસ કરીને ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા ક્ષેત્રે ચાંદીની માંગમાં ભારે વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં સૌર ઉર્જા ક્ષેત્રમાંથી ચાંદીની માંગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2024માં કુલ ચાંદીની માંગમાં સૌર ઉર્જાનો હિસ્સો આશરે 21 ટકા રહ્યો છે. આ વધતી ઔદ્યોગિક માંગે ચાંદીના ભાવને વધુ મજબૂતી આપી છે.

વિશ્વબજારમાં પણ ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકન અને લંડન બજારો વચ્ચેના ભાવના તફાવતને કારણે ચાંદીની ઉપલબ્ધતા પર અસર પડી છે. નિષ્ણાતો કહે છે કે લાંબા ગાળે ચાંદીનું વલણ હજી પણ તેજીનું છે, જો કે ટૂંકા ગાળે થોડું સ્થિરપણું જોવા મળી શકે છે.

શું ચાંદી ₹2.5 લાખ સુધી પહોંચશે? - બ્રોકરેજ ફર્મો અને બજાર નિષ્ણાતો માને છે કે જો પુરવઠાની અછત અને ઔદ્યોગિક માંગ યથાવત રહેશે, તો આવનારા વર્ષમાં ચાંદીના ભાવ ₹2.40 લાખથી ₹2.50 લાખ સુધી પહોંચી શકે છે. રોકાણકારો માટે ચાંદી હવે માત્ર દાગીના સુધી સીમિત રહી નથી, પરંતુ વધતી ઔદ્યોગિક જરૂરિયાતોને કારણે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુ તરીકે તેની માંગ સતત વધી રહી છે.
આ પણ વાંચો: અદભૂત, અવિશ્વસનીય ! ન તો સોનું, ન તો ચાંદી, ન તો હીરા… આ છે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ, કિંમત જાણશો તો હૃદયના ધબકારા વધી જશે
