રાષ્ટ્રને સંબોધતા PM મોદીએ, ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને નુકસાન, સીઝ ફાયર, અણુબોંબની ધમકી, PoK મુદ્દે શું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશને કરેલા સંબોધનમાં ભારતીય સૈન્યે બતાવેલા શૌર્ય, પાકિસ્તાનને પહોંચાડેલા નુકસાન, સીઝ ફાયર, અણુબોંબની ધમકી તેમજ પાક પ્રેરિત આતંકવાદની સાથેસાથે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના વિષયને આવરી લીધો હતો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 22મી એપ્રિલના રોજ પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલ પીડિતોને ન્યાય અપાવવા, તેમની પીડાનો બદલો લેવા માટે, 7 મેના રોજ ઓપરેશન સિંદૂર અમલમાં મુક્યું હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેમજ ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામની કામગીરીને બિરદાવીને સલામ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું કે, હવે ટેરર અને ટોક, ટેરરની સાથે સાથે ટ્રેડ નહીં થાય લોહી અને પાણી સાથે નહીં વહે. ટુંકમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન સાથે વેપાર, વાતચીત નહીં કરવામાં આવે. સિંધુ નદીમાં પાણી પણ છોડવામાં નહીં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે, ભારત ક્યારેય પણ પાકિસ્તાનની અણુબોંબની ધમકીને વશ નહીં થાય. સાથોસાથ તેમને વિશ્નને પણ એક પ્રકારે આડકતરો સંદેશ આપ્યો છે કે, અણુબોબની બીક બતાવીને તમે ભારતને કાબૂમાં નહીં કરી શકો.

સીઝ ફાયરની વાત કરતા નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂરની કાર્યાવહી હાલ સ્થગિત કરવામાં આવી છે. બંધ કરવામાં નથી આવી. ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના વાણી અને વર્તન પર આધાર રાખે છે. જો તે સુધરી જાય તો કામગીરી સ્થગિત રહેશે નહીં તો આનાથી પણ વધુ ગંભીર પરિણામ ભોગવવા પડશે.

પાકિસ્તાન સાથે કોઈ પણ સંજોગોમાં વાતચીત નહીં થાય. પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ બંધ કરવા અને તેમણે પચાવી પાડેલા કાશ્મીર મુદ્દે જ વાતચીત કરવામાં આવશે.

ઓપરેશન સિંદૂર એ આતંક સામેની લડાઈ હતી. પાકિસ્તાન તેને પોતાની સામે લડાઈ સમજ્યું. ભારતે પાકિસ્તાનને પહેલા જ ઘામાં ધૂળ ચાટતુ કરી નાખ્યું છે. તે સરહદ પર વાર કરવા આવ્યું હતું. આપણે તેમના હ્રદય સમાન બહાવલપુર અને મોરક્કીમાં આતંકીઓના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા. આ બન્ને શહેરો ભારતના હુમલાથી ધ્રજી ઉઠ્યા હતા.

આતંકવાદ જ એક દિવસ પાકિસ્તાનને ભરખી જશે તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું, પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગતું હોય, તો તેણે તેના ઉછેરેલા આતંકવાદી માળખાને તોડી પાડીને નષ્ટ કરવું પડશે.
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

































































