નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.