Gujarat Tourism : પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, GSRTC ટુંક જ સમયમાં શરુ કરશે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે હવે એસટી નિગમ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. ટુંકમાં એસટી નિગમ ટુંક જ સમયમાં રાજ્યના તીર્થ સ્થળો માટે ટૂરિસ્ટ પેકેજની શરુઆત કરી શકે છે.

હાલમાં મહાકુંભમાં ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વોલ્વો બસ દોડાવવામાં આવી હતી. જેમાં અનેક યાત્રિકોએ આ પ્રવાસનો લાભ લીધો હતો.આ સફળતા બાદ ગુજરાત એસટી નિગમે પ્રવાસીઓ માટે વધુ એક શાનદાર નિર્ણય લીધો છે.

ગુજરાત એસટી નિગમ અને ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી થોડા જ દિવસોમાં રાજ્યના અલગ અલગ રુટ પર ટુર સર્કિટ બનાવવામાં આવશે.ટુંકમાં એસટી વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ટુર સર્કિટ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. જેમાં 2 દિવસનું ટુર પેકેજ રહેશે. આ ટુરના રુટ નક્કી કરવામાં આવ્યા બાદ ટુર પેકેજનો ચાર્જ નક્કી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજ બે હજાર રુપિયાથી લઈ 5 હજાર સુધીનું હોય શકે છે. શનિ-રવિના આ ટુર પેકેજ શરુ કરવામાં આવશે. એટલે કે, રજાઓના દિવસોમાં લોકો પરિવાર સાથે આ ટુરનો આનંદ માણી શકશે.

આપણે ટુરિસ્ટ સર્કિટના શરુ થનારા સંભવિત સ્થળો વિશે વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર, હરસિદ્ધિમાતા મંદિર, તો દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ અને સેલવાસના સ્થળો રહેશે.

તેમજ કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર અને ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર,ઊંઝા, અંબાજી અને બહુચરાજી જેવા સ્થળો પર આયોજન કરવામાં આવી શકે છે.

ટૂરિસ્ટ સર્કિટ એટલે શું જાણો. ભારતમાં પ્રવાસન સર્કિટ એ ઓછામાં ઓછા ત્રણ મુખ્ય પ્રવાસન સ્થળોને જોડતો માર્ગ છે, જે ઘણીવાર ધર્મ, સંસ્કૃતિ અથવા ઇતિહાસ જેવા ચોક્કસ વિષય પર કેન્દ્રિત હોય છે, જે પ્રવાસીઓને સર્કિટમાં અનેક સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરે છે.પ્રવાસન ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
