હિમાચલ-ઉત્તરાખંડમાં પ્રવાસીઓ ઉમટ્યા, હોટલો અને રસ્તાઓ થયા હાઉસફુલ
ક્રિસમસના એક દિવસ પહેલા એટલે કે રવિવારે મનાલીમાં પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે મનાલીમાં કેટલાય કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. મનાલીમાં હોટેલો પણ લગભગ ફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ક્રિસમિસ અને નવા વર્ષ પહેલા મનાલીમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. શનિવારથી મોટી સંખ્યામાં પર્યટકો મનાલી પહોંચ્યા હતા. રવિવારે બપોરે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે, મનાલી પહેલા ગાડીઓની લાંબી લાઈનો લાગી હતી.

સોલંગનાલાથી પલચાન સુધી માત્ર ગાડીઓ ગાડીઓ જ જોવા મળી હતી. મનાલીમાં ટ્રાફિક જામ જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે, ત્યાં 90 ટકા હોટલો ફુલ થઈ ચૂકી છે.

સોમવારના રોજ ક્રિસમસ છે. આ પહેલા શનિવાર અને રવિવારની રજા હતી. ત્યારે એક સાથે ત્રણ દિવસની રજા જોઈને લોકો હિમાચલ તરફ જઈ રહ્યા હતા. ધીમે ધીમે પર્યટકો મનાલી પહોંચતા ગયા અને ટ્રાફિક જામ થયો હતો. હિમાચલમાં કુલ્લુ,મનાલી અને શિમલા આ ત્રણ મુખ્ય ટુરિસ્ટ પ્લેસ છે. આ ત્રણ સ્થળો હાલમાં તો ખીચો ખીચ ભરેલા છે.

મનાલીની આ હાલત જોઈને એવું લાગે છે કે અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે. અટલ ટનલમાં એક દિવસમાં 28 હજાર પ્રવાસી વાહનોની અવરજવર થઈ છે. મનાલી ટ્રાફિક જામથી પરેશાન છે. અટલ ટનલ, શહેર અને અન્ય વિસ્તારોમાં વધુ ટ્રાફિક જામ છે.

મનાલીના સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને સવારે અને સાંજે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રવાસીઓની સંખ્યામાં અચાનક વધારો થવાને કારણે, મનાલી અને કુલ્લુની 90 ટકા હોટેલ્સ પહેલેથી જ બુક થઈ ગઈ છે.

બીજી બાજુ ઉત્તરાખંડના અનેક ટુરિસ્ટ પ્લેસ પર પણ પર્યટકો પહોંચવાના શરુ થઈ ગયા છે. ક્રિસમસ અને ન્યુયરના જશ્નને લઈ પર્યટક નગરી નૈનીતાલ પર આખી ફુલ થઈ ગઈ છે.






































































