રાજુલાની રાણી ‘ક્વિને’ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 300 કિલોમીટરનું અંતર ચાલીને પોતાના સામ્રાજ્યમાં પરત ફરી !
રાજુલાની રાણી ક્વિને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ક્વિને પોતાના સામ્રાજ્યમાં ફરી સ્થાયી થવા માટે 300 કિલોમીટરનું અંતર સિંહબાળ સાથે ચાલી-ચાલીને કાપી નાખ્યુ. વન્ય જીવોના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ સિંહ કે સિંહણ આટલુ ચાલે છે. પરંતુ પોતાના સામ્રાજ્યમાં ફરી પહોંચવા માટે દૃઢ મનોબળની આ સિંહણે જાણે નક્કી કરી લીધુ હતુ કે તે ફરી તેના વિસ્તારમાં પરત ફરીને જ રહેશે.

એશિયાટિક લાયન કે આફ્રિકન લાયનના ઈતિહાસમાં કોઈપણ સિંહ કે સિંહણે 300 કિલોમીટરની યાત્રા કરી નથી. પરંતુ એકમાત્ર રાજુલાની રાણી એ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે અને ક્વિને પોતાનુ વર્ચસ્વ બચાવવા અત્યાર સુધીની સૌથી લાંબી સફર ખેડી છે. એશિયાટિક લાયન એ માત્ર ગુજરાત જ નહીમ પરંતુ સમગ્ર દેશનુ ઘરેણુ છે. દેશની શાન ગણાતા આ સાવજો હરહંમેશ કંઈકને અલગ કરવા માટે જાણીતા છે. આવી જ કંઈક અનોખો વર્લ્ડ રેકોર્ડ રાજુલાના રેવન્યુ વિસ્તારની ક્વિને રેવન્યુ બનાવ્યો છે.

રાજુલાની રાણી ક્વિન રેવન્યુ વિસ્તારમાં તેના 4 બચ્ચા સાથે ફરતી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક વ્યક્તિ પર સિંહણે તેના બચ્ચાને આ માણસ ઈજા પહોંચાડશે તેવી દહેશતને કારણે હુમલો કરી દીધો હતો. જેમા એ વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ વનવિભાગે પાંજરુ મુકી સિંહણને ગીર અભયારણ્ય વિસ્તારમાં છોડી દીધી હતી. આથી તે માનવ વસાહતમાં ન આવી ચડે. જ્યારે આ સિંહણને ગીરમાં મુક્ત કરવામાં આવી એ સમયે તેની સાથે ચાર સિંહબાળ પણ હતા. જો કે અન્ય સિંહ સાથે વર્ચસ્વની લડાઈમાં તેના ત્રણ સિંહબાળના મોત થયા.

ઘટના બાદ એક સિંહબાળ સાથે સિંહણ તેને બચાવવા અને ફરી પોતાના રાજુલા સામ્રાજ્યમાં સ્થાઈ થવા માટે ભ્રમણ કરવા લાગી, આ સિંહણ સિંહબાળ સાથે એટલુ ચાલી કે ફરતી ફરકતી તે છેક પોરબંદર સુધી પહોંચી ગઈ. અલગ અલગ વિસ્તારોમાંથી 300 કિલોમીટર સુધી તેની પર નજર રાખી રહેલુ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યુ. જો કે 300 કિલોમીટર સુધીના સિંહણના આ સંઘર્ષે વર્લ્ડ રેકોર્ડ સર્જી નાખ્યો.

સિંહ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ઘટનાની ગંભીરતા સમજી સિંહ કે સિંહબાળ ભટક્તા ભટક્તા કોઈ અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી તેમની સુરક્ષાને ધ્યાને લઈ વનવિભાગ દ્વારા રાજુલા રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરી દેવાઈ છે.

સિંહો ઉપર સંશોધન કરનારા સિંહ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ક્વીન રાજુલાની રાણી છે અને ઘણી પ્રભાવશાળી સિંહણ છે. આ રાજુલાની રાણી તેના ભવ્ય દેખાવ, બહાદુરી અને મક્કમ મનોબળ માટે પ્રસિદ્ધ છે. મોટાભાગે નીલગાય જેવા જ મારણો કરે છે. સામાન્ય પશુ જેવા ખૂબ ઓછા મારણો કરે છે ઉપરાંત અન્ય સિંહોને સાચવે છે સાથે રાખે છે જેથી અન્ય સિંહો આ રાણીની રાહ જોઈ રહ્યા હતા.રાજુલામાં તેણે પોતાના બચ્ચા સિવાયના 7 સિંહબાળોને જતનથી ઉછેર્યા છે. તેના આ પ્રેમાળ સ્વભાવને કારણે તેને ક્વીનનું નામ અપાયુ છે.

આ સિંહણની ખાસિયત એ છે કે તેણે 10 વર્ષની ઉમરે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. 10 વર્ષથી મોટી ઉમરે કોઈ સિંહણ ભાગ્યે જ ચાર બચ્ચાને જન્મ આપે છે. બીજી ખાસિયત એ છે કે ક્વિન જ્યારે બીજી વખત માતા બની ત્યારે તેના પ્રથમ બાળકો 13 મહિનાના હતા. સામાન્ય રાતે સિંહણના બે વખત માતૃત્વ ધારણ કરવા વચ્ચે 2 વર્ષનું અંતર રહે છે. પરંતુ ક્વિને 13 મહિનાના અંતરાલમાં બાળકોને જન્મ આપ્યો. જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

રાજુલા રેવન્યુ વિસ્તારમાં હાલમાં આ સિંહણની દરેક મુવમેન્ટ પર વનવિભાગ નજર રાખી રહ્યુ છે. સતત મોનિટરીંગ કર્યુ રહ્યુ છે. ક્યાં વસવાટ કરી રહી છે, કેવી રીતે રહે છએ તે દરેક બાબત પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. Input Credit Jaydev kathi- Amreli