કરોડો કર્મચારીઓ માટે ખુશખબર ! GST 2.0 બાદ સરકાર આપશે વધુ એક ભેટ, થશે ખાસ બદલાવ અને મળશે મોટી રાહત
GST માં 2 ટેક્સ સ્લેબ ઘટાડીને સરકારે મધ્યમ વર્ગના લોકોને ટેક્સ પર મોટી રાહત આપી છે. આ ઉપરાંત, સરકાર દિવાળી પહેલા સામાન્ય લોકોને બીજી રાહત આપવાની તૈયારીમાં પણ છે.

જણાવી દઈએ કે, સરકાર દિવાળી પહેલા આ ભેટ આપશે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે વાત એમ છે કે, ભારત સરકાર 'EPFO' સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓને નવી સુવિધાઓ આપવાની તૈયારી કરી રહી છે. EPFO 3.0 નો ઉદ્દેશ્ય કર્મચારીઓને બેંક જેવી સરળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ અંતર્ગત ખાતાધારકો જરૂરિયાત સમયે સીધા ATM માંથી પૈસા ઉપાડી શકશે અથવા UPI દ્વારા તેનો ઉપયોગ કરી શકશે.

આવતા મહિને યોજાનારી બેઠકમાં 'EPFO 3.0' પર ચર્ચા કરવામાં આવશે. આ યોજના હેઠળ, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ હોલ્ડર તેમના પૈસા ATM અને UPI દ્વારા આંશિક રીતે ઉપાડી શકશે. આ સાથે જ લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા અથવા તો 2500 રૂપિયા થશે તેવી શક્યતા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં લઘુત્તમ પેન્શન રૂ. 1000 થી વધારીને રૂ. 1500 કે રૂ. 2500 કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આ માંગ કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે, તો કરોડો પેન્શનરોને આનો સીધો લાભ મળશે.

આ બેઠક 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાશે, જેની અધ્યક્ષતા શ્રમ અને રોજગાર મંત્રી 'મનસુખ માંડવિયા' કરશે. બેઠકનો એજન્ડા હજુ નક્કી થયો નથી પરંતુ માહિતી અનુસાર 'EPFO 3.0' અને 'પેન્શન વધારો' બંને પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવશે. આ બોર્ડમાં કર્મચારીઓ, નોકરીદાતાઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ જોડાયેલા હશે.

ટ્રેડ યુનિયનનું કહેવું છે કે, ATM અને UPI થકી પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવાની મંજૂરી મળશે તો બચત કરવાનો હેતુ નબળો પડી જશે. આથી PFમાંથી ઉપાડ ફક્ત શિક્ષણ, લગ્ન, સારવાર અને ઘર ખરીદી જેવી જરૂરિયાતો માટે જ હોવો જોઈએ.

સરકાર દિવાળી પહેલા લગભગ 8 કરોડ EPFO ખાતાધારકોને આ પહેલનો લાભ આપશે તેવી શક્યતા છે. EPFOની આ નવી પહેલ લોકોને વધુ સરળ અને સુવિધાજનક સેવા પૂરી પાડશે તેવું માનવામાં આવી રહી છે.
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે, આ અંગેની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
