જામનગર સાયબર ક્રાઈમને ખેડૂતોને છેતરનારા 11 લોકોની કરી અટકાયત, બોગસ કોલસેન્ટર પર દરોડાની કરાઈ કાર્યવાહી
જામનગર સાયબર ક્રાઈમની ટીમે જુનાગઢમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યુ છે. જેમા 5 મહિલા સહિત 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. ખેડૂતોને તાડપત્રી અને દવાની એજન્સી આપવાના નામે પૈસા મેળવીને ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 11 લોકોની અટકાયત કરી કુલ 32 મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જામનગરમાં એક ખેડુત સાથે છેતરપિંડી થઈ. જેણે જુનાગઢથી તાડપત્રીની ખરીદી કરી હતી. બાદમાં કંપનીમાં કોલ આવ્યો તે ગામ તથા આસપાસમાંથી તાડપત્રીની માંગ છે. તેવુ જણાવી એજન્સી આપવાની ઓફર કરી. બાદ પૈસા મેળવીને ના સામાન આપ્યો ના ફરી સંપર્ક થયો. ખેડૂતે પોતાની સાથે છેતરપિંડી થયાની ફરીયાદ સાયબર ક્રાઈમની ટીમને આપી. સાયબરની ટીમે ફરીયાદના આધારે તપાસ કરતા જુનાગઢના કોલ સેન્ટર પર દરોડો પાડયો અને કુલ 11 લોકોની અટકાયત કરી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે બે ભાગીદારોએ 7 સ્ટારના નામે કંપની ચલાવે છે. જેમાં કોલ સેન્ટર શરૂ કરીને ત્યાંથી સૌરાષ્ટ્રભરના ખેડુતોને તાડપત્રી માટે કોલ કરે છે. જે ખરીદી કરે તો તેમને તાડપત્રી મોકલે. બાદ તેમના સંપર્કમાં રહીને વધુ તાડપત્રીનુ વેચાણ કરવા માટે એજન્સી આપવાની લાલચ આપે છે. બાદ દવાની એજન્સી આપવાની છે. તેવુ જણાવીને રૂપિયા પડાવતા હતા. બાદમાં સામાન ના આપીને છેતરપિંડી કરતા. હાલ સુધીમાં અનેક ખેડુતો સાથે છેતરપિંડી કરતા કંપનીના માલિકે બે ભાગીદાર અને પગાર પર કામ કરતા 9 લોકોની અટકાયત કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ લોકો સાથે કેટલાક ડેટા મળ્યા છે. જેમાં અનેક જીલ્લાઓમાં રહેતા ખેડૂતોની યાદી મળી છે. અમરેલી, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓના ખેડૂતોને પણ આ પ્રકારે છેતરીને લાખો રૂપિયા મેળવી લીધા છે. અનેક ખેડૂતો તાડપત્રી અને દવાની એજન્સી મેળવીને તેના વેચાણથી સારી આવકની આશાએ પોતાના પૈસા પણ ગુમાવ્યા.

કોલ સેન્ટર કેટલા સમયથી કાર્યરત છે. કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. કેટલા રૂપિયાની છેતરપીંડી કરી, તેમની સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલ છે કે કેમ સહિતના સવાલોના જવાબ મેળવવા પકડાયેલા આરોપીની સઘન પુછપરછ શરૂ કરી છે. સાથે જપ્ત કરાયેલ લેપટોપ અને ડેટાની ચકાસણી શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ આ સવાલોના જવાબ સામે આવશે.