Breaking News : ભારતે પાકિસ્તાની અધિકારીને ‘persona non grata’ જાહેર કર્યા, 24 કલાકમાં દેશ છોડવા આપ્યો આદેશ
ભારત સરકારે પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ અધિકારી પર ભારતમાં તેમની સત્તાવાર ભૂમિકાથી વિપરીત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે.

ભારત સરકારે એક મોટું રાજદ્વારી પગલું ભરતા, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' (અનિચ્છનીય વ્યક્તિ) જાહેર કર્યો છે. ભારતમાં તેમની સત્તાવાર ભૂમિકા અનુસાર ન હોય તેવી પ્રવૃત્તિઓમાં આ અધિકારી સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને એક મજબૂત સત્તાવાર ડિમાર્ચ સુપરત કરવામાં આવ્યું હતું.

'પર્સોના નોન ગ્રાટા' શું છે તેની વાત કરવામાં વે તો 'પર્સોના નોન ગ્રેટા' એ લેટિન શબ્દ છે જેનો અર્થ "અનિચ્છનીય વ્યક્તિ" થાય છે. રાજદ્વારી પરિભાષામાં, તેનો ઉપયોગ એવી પરિસ્થિતિમાં થાય છે જ્યારે કોઈ દેશની સરકાર કોઈ વિદેશી રાજદ્વારીને તેના દેશમાં અસ્વીકાર્ય માને છે અને તેને તાત્કાલિક હાંકી કાઢવાની માંગ કરે છે.

જોકે આ અધિકારી સામે લેવાયેલી કાર્યવાહી પાછળની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ આવી કાર્યવાહી સામાન્ય રીતે જાસૂસી અથવા સંવેદનશીલ પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા પર કરવામાં આવે છે.

આ નિર્ણયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી જ તણાવગ્રસ્ત સંબંધો વધુ ખરાબ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન પણ બદલામાં ભારતીય અધિકારીને કાઢી મૂકી શકે છે, જેનાથી રાજદ્વારી સંબંધોમાં નવી તિરાડ પડી શકે છે.આ ઘટનાક્રમ બંને દેશો વચ્ચે સંવાદ અને સહયોગની શક્યતાઓને અસર કરી શકે છે. હાલમાં, ભારત સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તેની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોમાં કોઈ સમાધાન કરશે નહીં.
“શું અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયાર પર કબજો કરવા માગે છે? શું હોય છે બેકડોર કંટ્રોલ?”– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
