Transfer Fees Limit : ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફીને લઈ સરકારે ઘડ્યા નવા નિયમો, જાણો કેટલી રકમ વસૂલી શકાશે ?
ગુજરાતમાં હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઘરના ખરીદ-વેચાણ સમયે સોસાયટીઓ કુલ અવેજ રકમના 0.5% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયા જેટલી ટ્રાન્સફર ફી જ વસૂલી શકશે. આ મર્યાદા કરતાં વધારે ફી વસૂલ કરવાની મંજૂરી રહેશે નહીં.

ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ છે, જે સહકારી કાયદા હેઠળ સંચાલિત થાય છે. ઘરના ખરીદ-વેચાણ સમયે સોસાયટીઓ દ્વારા વસૂલાત થતી ટ્રાન્સફર ફી અંગે લાંબા સમયથી અનેક ફરિયાદો આવી રહી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી હતી કે હાઉસિંગ સોસાયટીઓ દ્વારા વધારે ટ્રાન્સફર ફી વસૂલાતી હોવાના અનેક કેસો સામે આવ્યા હતા. આ મુશ્કેલી દૂર કરવા માટે રાજ્ય સરકારે 2024માં સહકારી કાયદામાં સુધારા કર્યા છે.

નવા નિયમો અનુસાર, હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ હવે ઘરના ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયા જેટલી ફી જ વસૂલી શકશે. એથી વધુ રકમ વસૂલવાની સોસાયટીઓને મંજૂરી રહેશે નહીં.

આ નિયમથી સોસાયટીઓને એ સ્વતંત્રતા મળશે કે તેઓ પોતાની પરિસ્થિતિ મુજબ આ ફીમાં ઘટાડો કરી શકે. પરંતુ કોઈપણ સંજોગોમાં તેઓ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ફી વસૂલી શકશે નહીં. આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓમાં કારભાર વધુ પારદર્શક અને નિયમિત બનશે.

આ નવા નિયમ મુજબ, જો મિલકત કાયદેસર વારસદારોને અવેજ વગર ટ્રાન્સફર કરવામાં આવે, તો કોઈ પણ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહીં. તદુપરાંત, સોસાયટીઓ ડેવલપમેન્ટ ચાર્જ, દાન અથવા અન્ય કોઈ નામે કોઈ વધારાની રકમ પણ ટ્રાન્સફર સમયે લઈ શકશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓના કારભારમાં શિસ્ત લાવાશે અને લાખો સભાસદોને આર્થિક રાહત મળશે. આ પગલાને રાજ્યભરમાં વધાવા મળ્યો છે અને તેને સભાસદોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ફિઝિકલ ગોલ્ડ ભૂલી જાઓ, આ રહ્યા ટોચના 10 ગોલ્ડ ETF જે આપી રહ્યા છે છપ્પર ફાડ રિટર્ન, અહીં જાણો વિગત

































































