દેશ પર ચક્રવાત ‘મિચોંગ’ નો કહેર, 100KMની ઝડપે ફૂંકાતા પવન સાથે આકાશી આફત, જુઓ તબાહીની તસવીર
ચક્રવાત 'મિચોંગ' તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ભારે તબાહી સર્જે તેવી સંભાવના છે. આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. હાલ સુધીમાં ચેન્નાઈમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે અને ભારે પવનને કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. આ સમગ્ર NDRFએ ચાર્જ સંભાળ્યો છે.

ચક્રવાત 'મિચોંગ'એ તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. રાજધાની ચેન્નાઈમાં એટલો વરસાદ પડ્યો કે શેરી અને મહોલ્લાઓ પાણીમાં ડૂબી ગયા. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન એક ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થયું છે અને તે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પસાર થવાની સંભાવના છે.

આ વાવાઝોડું 5 ડિસેમ્બરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. આના કારણે પવનની મહત્તમ ગતિ 80-90 કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે, જેમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગંભીર ચક્રવાતી વાવાઝોડાને કારણે તમિલનાડુ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના મોટાભાગના ભાગો સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ચેન્નાઈમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યાં શેરીઓમાં પાણી ભરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

આ સંભવિત જોખમના કારણે આંધ્ર પ્રદેશ સરકારે આજે તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વધુમાં, તમિલનાડુ સરકારે ચાર જિલ્લા ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.

ચક્રવાતી તોફાનના જોખમને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 10 વધારાની ટીમો અનામત રાખવામાં આવી છે.

આંધ્રપ્રદેશના આઠ જિલ્લા તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ચક્રવાત આગામી ત્રણ દિવસ એટલે કે 7 ડિસેમ્બર સુધી વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરશે અને તે બાદમાં શાંત થઈ જશે.
