શું મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર થશે કોઇ અસર ? જાણો શું છે કમોસમી વરસાદનું કારણ
બંગાળની ખાડીમાં સર્જાયેલુ મિચોંગ વાવાઝોડુ ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતના લોકોના મનમાં પણ પ્રશ્ન થઇ રહ્યો છે કે શું આ વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. અમે તેના વિશે તમને માહિતી આપીશું.


ગુજરાતમાં નવેમ્બર મહીનો શરુ થતા જ કમોસમી વરસાદ વરસવાનું શરુ થયુ હતુ. માવઠાનો એક રાઉન્ડ પુરો થઇ ગયો છે. ત્યાં હવે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલુ મિચોંગ વાવાઝોડુ ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતના લોકોના મનમાં પણ પ્રશ્ન થઇ રહ્યો છે કે શું આ વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. અમે તેના વિશે તમને માહિતી આપીશું.

બંગાળની ખાડીમાં મિચોંગ વાવાઝોડુ સર્જાયુ છે. આ મિચોંગ વાવાઝોડુ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ટકરાશે. આ વાવાઝોડાના પગલે તમિલનાડુ, પુંડ્ડુચેરી, ઓડિશામાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું મિચોંગ વાવાઝોડું ધીરે ધીરે આગળ તરફ વધી રહ્યું છે. મિચોંગ વાવાઝોડાની સીધી અસર ભારતના પૂર્વ તરફના દરિયાકાંઠે આવેલાં રાજ્યોને થશે.

મિચોંગ વાવાઝોડાની સીધી અસર ગુજરાતમાંનહીં થાય, પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત સુધી પહોંચી રહ્યા છે.તો બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્ય પ્રદેશની આસપાસથી આવતા પૂર્વના પવનો સાથે મળે છે. તો અરબી સમુદ્રમાં પણ સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા ગુજરાત પર અસર જોવા મળી રહી છે.

જો કે ગુજરાતમાં વાવાઝોડાની વધારે અસર થાય તેવી શક્યતા નથી. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી પણ કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોઈ જગ્યાએ સાવ હળવો અને છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર સર્જાતી નથી તેનું અન્ય એક કારણ પણ છે.

સામાન્ય રીતે ભારતની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે તરફ વાવાઝોડાં સર્જાતાં હોય છે. આ વાવાઝોડા ભારતના વિવિધ વિસ્તારોને અસર કરતાં હોય છે.જો કે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી હોય છે અનેબંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની રાજ્યને સીધી અસર થતી નથી.






































































