IPL 2023: RCB હજાર કરોડ ખર્ચીને પણ ન કરી શક્યું તે ગુજરાતે માત્ર 174 કરોડમાં કર્યું
વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝીઓમાં ખેલાડીઓના પગાર પર સૌથી વધુ ખર્ચ કરતી ફ્રેન્ચાઈઝી છે. જાણો IPLની 2 સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે કેટલો ખર્ચ કર્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ સિઝનમાં ખેલાડીઓના પગાર પર સૌથી વધુ ખર્ચ કરનારી ફ્રેન્ચાઈઝી એક વખત પણ ટાઈટલ જીતી શકી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લીગની તમામ સિઝનમાં ખેલાડીઓના પગાર પર સૌથી વધુ ખર્ચ કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીમાં કુલ 1003.7 કરોડ રૂપિયાનો પગાર ખર્ચ કર્યો છે, પરંતુ એક પણ ટાઇટલ જીતી શકી નથી. તે 2009, 2011 અને 2016માં રનર અપ રહી હતી. RCB પછી રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ 978.3 કરોડ રૂપિયા સાથે બીજા નંબર પર છે. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજા નંબર પર છે અને તે 2012 અને 2014માં 2 વખત ચેમ્પિયન પણ બની હતી. બીજી તરફ ખેલાડીઓના પગાર પર ખર્ચના મામલામાં દિલ્હી કેપિટલ્સ ચોથા નંબર પર છે. તે પણ પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહી છે.

પંજાબ કિંગ્સ 5માં નંબર પર છે અને આઈપીએલમાં તે માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી છે. પંજાબ 2014માં રનર્સ અપ હતું. પંજાબ પછી IPLની બીજી સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છઠ્ઠા નંબર પર છે. ચેન્નાઈ 2010, 2011, 2018 અને 2021માં ચેમ્પિયન બની હતી.

આઈપીએલ 2016ની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ ખેલાડીઓના પગાર પર ખર્ચ કરવાના મામલે 7માં નંબર પર છે. હૈદરાબાદે 2013માં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2009ના વિજેતા ડેક્કન ચાર્જર્સનું સ્થાન લીધું. તે જ સમયે, IPLની પ્રથમ વિજેતા રાજસ્થાન રોયલ્સ 8માં નંબર પર છે. રાજસ્થાને 2008માં પ્રથમ આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

IPLની છેલ્લી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે પદાર્પણ કર્યું હતું. કેએલ રાહુલની લખનૌ આ યાદીમાં 9મા નંબર પર છે. ગત સિઝનમાં તેણે પ્લેઓફ સુધીની સફર કરી હતી. બીજી તરફ, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સે ખેલાડીઓના પગાર પાછળ 174.3 કરોડ રૂપિયાની સૌથી ઓછી રકમ ખર્ચી હતી, પરંતુ ગુજરાત ડેબ્યૂ સિઝન જીતવામાં સફળ રહ્યું હતું.