ભારતીય ક્રિકેટ ટીમ સિક્સર ફટકારવામાં પણ સૌથી આગળ, સૌને છોડી દીધા પાછળ
ભારતીય ક્રિકેટ ટીમનો દબોદબો વિશ્વકપમાં જબરદસ્ત જોવા મળી રહ્યો છે. લીગ તબક્કામાં તમામ મેચમાં શાનદાર જીત સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. લીગ તબક્કામાં ભારતીય ટીમ સૌથી ટોચના સ્થાને પોઈન્ટ ટેબલમાં રહી છે. આમ ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ પણ જબરદસ્ત છે. ભારતીય ટીમે વિશ્વકપ દરમિયાન અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે, જેમાં વધુ એક વિક્રમ ટીમ ઈન્ડિયાને નામે જોવા મળી રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ જબરદસ્ત પ્રદર્શન વન ડે વિશ્વકપમાં કરી રહી છે. ટીમ ઈન્ડિયા લીગ તબક્કામાં સૌથી આગળ એટલે કે નંબર 1 રહીને સેમીફાઈનલમાં પહોંચ્યુ છે. બેટિંગ અને બોલિંગ દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતીય ટીમના બેટર્સે અનેક રેકોર્ડ રચ્યા છે. કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં પણ સૌને પાછળ છોડી દીધા છે.

વન ડે ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો જબરદસ્ત દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓએ બેટિંગમાં ધમાલ મચાવી છે. ભારત તરફ થી રવિવારે નેધરલેન્ડ સામે 16 છગ્ગા નોધાયા હતા. આ સાથે જ ભારતીય ટીમ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિક્રમ પોતાને નામે કરી લીધો છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતીય ટીમે 215 છગ્ગા નોંધાવ્યા છે.

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને આ મામલામાં પાછળ છોડી દીધી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાને નામે રેકોર્ડ ધરાવતી હતી. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2019માં સૌથી વધારે છગ્ગા કેલેન્ડર યરમાં નોંધાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ 209 છગ્ગા સાથે હવે બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડે વિશ્વકપ માટે ક્વોલીફાય થઈ નહોતી.

દક્ષિણ આફ્રિકા પણ આ બાબતમાં કમ નથી. આ વર્ષે દક્ષિણ આફ્રિકા તરફથી પણ વધુ છગ્ગાઓ નોંધાયા છે. કેલેન્ડર વર્ષમાં દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી 203 છગ્ગા નોંધાયા છે. જે હાલમાં ત્રીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકા તેની આગામી વનડે મેચ વિશ્વકપની બીજી સેમીફાઈનલના રુપમાં રમશે. જે ઓસ્ટ્રેલિયા સામે હશે.

ન્યુઝીલેન્ડની ટીમ પણ વિશ્વકપ 2023 ની સેમીફાઈલમાં પહોંચી છે. ભારતીય ટીમ સામે સેમીફાઈનલમાં કિવી ટીમ ઉતરનાર છે. આ ટીમ પણ છગ્ગા નોંધાવવામાં પાછળ નથી અને ટોપ ફાઈવ યાદીમાં નામ સામેલ છે. કિવી ટીમ વર્ષ 2015 માં 179 છગ્ગા ફટકાર્યા હતા. આમ તે ચોથા સ્થાન પર છે.

પાંચમાં ક્રમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ છે. આ ટીમે વર્તમાન કેલેન્ડર વર્ષમાં 165 છગ્ગા નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાનો જ રેકોર્ડ સુધારતા વધુ સિક્સર આ વર્ષે નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પછીનુ સ્થાન ધરાવે છે.