આ વિદેશી ખેલાડી IPL 2025 માટે ભારત પાછો નહીં ફરે, દેશ છોડતા જ લીધો મોટો નિર્ણય !
IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા એક ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ ટીમનો એક સ્ટાર ખેલાડી પોતાના દેશ પાછો ફર્યો છે અને તેના ભારત પાછા ફરવાની શક્યતા લગભગ શૂન્ય છે. આ ખેલાડીએ વર્તમાન સિઝનમાં તેની ટીમ માટે બધી મેચ રમી છે અને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ સ્ટાર ખેલાડીની ગેરહાજરીથી ટીમના પ્લેઓફમાં પહોંચવાની આશાને ફટકો લાગી શકે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ અટકાવી દીધી હતી. ત્યારબાદ લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. જોકે, IPL ટૂંક સમયમાં ફરી શરૂ થવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, BCCI ટૂંક સમયમાં બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કરી શકે છે. પરંતુ મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા છે. આ ખેલાડીઓમાંથી એક સ્ટાર ખેલાડી માટે ભારત પાછા ફરવું મુશ્કેલ લાગી રહ્યું છે.

IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગી શકે છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક માટે બાકીની મેચો માટે ભારત આવવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયન મીડિયા ચેનલ 9 અનુસાર, સ્ટાર્ક અને તેની પત્ની રવિવારે સિંગાપોરથી સિડની પહોંચ્યા હતા. દરમિયાન, સ્ટાર્કના મેનેજરે સંકેત આપ્યો છે કે આ સ્ટાર બોલર IPL 2025 ફરી શરૂ થશે ત્યારે ભારત પાછો નહીં આવે.

મિશેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સનો સૌથી મહત્વપૂર્ણ બોલર છે. તેણે આ સિઝનમાં 12 મેચ રમી છે અને 14 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 10.23 રહી છે. એક મેચમાં તેણે 5 વિકેટ પણ લીધી હતી.

દિલ્હી કેપિટલ્સ પાસે હજુ પણ લીગ સ્ટેજમાં 4 મેચ બાકી છે અને એક મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. 13 પોઈન્ટ સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. આવી સ્થિતિમાં દિલ્હી પ્લેઓફમાં પહોંચવાની ખૂબ નજીક છે. પરંતુ સ્ટાર્કની ગેરહાજરી દિલ્હીનું ટેન્શન વધારી શકે છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ 11 જૂનથી લોર્ડ્સ ખાતે રમાશે. આ મેચ મિશેલ સ્ટાર્કના ભારત પાછા ન ફરવાનું એક મોટું કારણ પણ બની શકે છે. તે IPLની બાકીની મેચો ન રમી WTC ફાઈનલની તૈયારી શરૂ કરી શકે છે. આ પહેલા પણ તે ઓસ્ટ્રેલિયન ટીમ માટે IPLની ઘણી સિઝન નથી રમ્યો. (All Photo Credit : PTI)
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે IPL અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું હતું, જોકે યુદ્ધવિરામ બાદ ફરી બાકીની મેચો યોજાશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































