IND vs AUS : ચાર ખેલાડીની ફિફ્ટી, શમીની પાંચ વિકેટ, ભારતની જીતના હીરો રહ્યા આ પાંચ ખેલાડીઓ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ પહેલા શરૂ થયેલ વનડે સીરિઝની પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતના ચાર સ્ટાર ખેલાડીઓએ દમદાર ફિફ્ટી ફટકારી હતી, જેમાં કેપ્ટન કેએલ રાહુલ, ઓપનર શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ સિવાય મોહમ્મદ શામીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ પાંચ ખેલાડીઓ ટીમની જીતના હીરો સાબિત થયા હતા.

કીપિંગ મામલે આજની મેચમાં કેએલ રાહુલનો દિવસ ખરાબ રહ્યો હતો, છતાં તેણે આ મેચમાં આની અસર તેના બેટિંગ પર થવા દીધી નહીં. કેએલ રાહુલે આજે કેપ્ટન ઈનિંગ રમી હતી. કેએલ રાહુલે ઇશાન અને સૂર્યા સાથે પાર્ટનરશિપ કરી ટીમની જીત નિશ્ચિત કરી હતી. તેણે વિજયી સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી. રાહુલે 63 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવે લાંબા સમય બાદ વનડે ફોર્મેટમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે કેપ્ટન રાહુલ સાથે મળી મજબૂત ભાગીદારી કરી હતી, સાથે જ ફિફ્ટી પણ પૂર્ણ કરી હતી. સૂર્યાએ 49 બોલમાં 50 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા વધુ એક ફિફ્ટી ફટકારી હતી. તે તેના હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારવાનું ચૂકી ગયો હતો. તેણે 63 બોલમાં 74 રન ફટકારી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

ઋતુરાજ ગાયકવાડને આજની મેચમાં ઓપન કરવાની તક મળી હતી અને ઋતુરાજે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. ધીમી શરૂઆત બાદ તેણે આકર્ષક શોટ ફટકાર્યા હતા. ઋતુરાજ 71 રન બનાવી આઉટ થયો હતો.

અનુભવી ફાસ્ટ બોલર મહોમ્મદ શમીને સિરાજના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે પોતાના અનુભવનો ઉપયોગ કરી મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. તેણે પાંચ વિકેટ લઈ ટીમને 276 રનમાં ઓલઆઉટ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.