શું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અંતર્ગત ગુજરાતને પણ ફાયદો થશે ? જાણો દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ વિશે
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે આપણે વાત કરીશુ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ વિશે.


નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)દ્વારા અંદાજે 98 હજાર કરોડના ખર્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. 1350 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.

આ એક્સપ્રેસ વે અંતર્ગત ગુજરાતમાં 423 કિ.મી.નો હાઈ વે બનાવવામાં આવશે, જેને કારણે વડોદરાથી મુંબઇ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાશે.

આ એક્સપ્રેસ વે પાંચ રાજ્યોમાંથી પસાર થશે,જેમાં હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

જો શહેરોની વાત કરવામાં આવે તો આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ,અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરના લોકોને પણ ફાયદો મળશે.

તમને જણાવી દઈએ કે,આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી.જેમાં મોટાભાગનુ કામ હાલ શરૂ છે. ગુજરાતમાં 423 કિલોમીટરના એક્સપ્રેસ વે માટે 35,100 કરોડથી વધુનો ખર્ચે કરવામાં આવશે.

ઉપરાંત આ પ્રોજેક્ટ અંતર્ગત બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ બનાવવામાં આવશે.જેમાં ગુજરાતમાં ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે. જે ભારતનો પ્રથમ 8 લેન વાળો બ્રિજ હશે.

































































