Champions Trophy 2025 : પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયું, બાંગ્લાદેશની પણ સફર સમાપ્ત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ સામે આસાન જીત નોંધાવી હતી. ન્યુઝીલેન્ડની આ જીતથી બે ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું અને બાંગ્લાદેશની સાથે પાકિસ્તાનને પણ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રાવલપિંડીમાં રમાઈ હતી. આ બંને ટીમો ભારત અને પાકિસ્તાન સાથે ગ્રુપ A માં સામેલ છે. આ મેચના પરિણામથી ગ્રુપ A ની બંને સેમીફાઈનલ ટીમોના નામ નક્કી થઈ ગયા છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ સામે આસાન વિજય મેળવ્યો હતો. આ પહેલા, તેઓએ પોતાની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડની આ જીત બાદ બે ટીમો સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
પાકિસ્તાન ટીમને મોટો ફટકો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે પાકિસ્તાનને બાંગ્લાદેશની જીતની જરૂર હતી, પરંતુ ન્યુઝીલેન્ડની જીતથી તેમની આશાઓ પર પાણી ફરી ગયું. પાકિસ્તાન ટીમ માટે આ એક મોટો ફટકો છે કારણ કે તેઓ આ ટુર્નામેન્ટમાં ઘણી આશાઓ સાથે આવ્યા હતા. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન પણ છે.
બાંગ્લાદેશ-પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશની ટીમ પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ બંને ટીમો આ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. પાકિસ્તાનને તેની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનનો ભારતીય ટીમ સામે પરાજય થયો હતો. બીજી તરફ, બાંગ્લાદેશ પણ ન્યુઝીલેન્ડ પહેલા ભારતીય ટીમ સામે મેચ હારી ગયું હતું. હવે આ બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ એકબીજા સામે રમશે, જેની પોઈન્ટ ટેબલ પર કોઈ અસર પડશે નહીં.
ન્યુઝીલેન્ડની મોટી જીત
ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. બાંગ્લાદેશની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 236 રન જ બનાવી શકી. બાંગ્લાદેશનના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ 77 રન બનાવ્યા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી 50 રનનો આંકડો સ્પર્શી શક્યો નહીં. 237 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ન્યુઝીલેન્ડે ફક્ત 72 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. આ પછી રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી અને પોતાની ટીમને વિજય તરફ દોરી ગયો. ન્યુઝીલેન્ડે આ લક્ષ્ય 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
આ પણ વાંચો: ભારતને મેચના 6 દિવસ પહેલા જ સેમીફાઈનલમાં મળ્યું સ્થાન, આ ટીમ પણ થઈ ક્વોલિફાય