ભારતને મેચના 6 દિવસ પહેલા જ સેમીફાઈનલમાં મળ્યું સ્થાન, આ ટીમ પણ થઈ ક્વોલિફાય
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બે ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ છે. આ બંને ટીમો ગ્રુપ A માંથી છે, જેમાં ભારતનું નામ પણ સામેલ છે. જ્યારે ગ્રુપ B માં, ચારેય ટીમો હાલમાં સેમીફાઈનલની રેસમાં છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં એક કરતા વધુ રોમાંચક મેચ રમાઈ રહી છે. આ દરમિયાન બે ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાનું નામ પણ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 2 માર્ચે રમવાની છે, પરંતુ તે પહેલાથી જ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ન્યુઝીલેન્ડ સામેની મેચ ટીમ ઈન્ડિયા માટે એક ઔપચારિકતા છે. આ મેચનું પરિણામ સેમીફાઈનલ માટેની રેસને અસર કરશે નહીં.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રાવલપિંડીમાં રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે સરળ વિજય નોંધાવ્યો અને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ A માં છે. આ ગ્રુપમાં ભારત અને ન્યુઝીલેન્ડે તેની બંને શરૂઆતની મેચ જીતી છે અને બંને ટીમોના 4-4 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાન 2-2 મેચ હાર્યા પછી આટલા બધા પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં, જેના કારણે ભારત અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલની ટિકિટ મળી ગઈ છે.

બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગ્રુપ સ્ટેજ જીતીને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે બધાની નજર સેમીફાઈનલ પર છે, જ્યાં આ બંને ટીમો ટાઈટલના જીતવાના સ્વપ્નને સાકાર કરવા માટે મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમની કેપ્ટનશીપ હેઠળ ટીમે સંતુલિત રમતનું પ્રદર્શન કર્યું છે, જેમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓએ પણ પોતાની છાપ છોડી છે. બીજી તરફ, ભારતે પણ તેની બંને ગ્રુપ મેચ સરળતાથી જીતી લીધી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ B માં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમોનો સમાવેશ થાય છે. આ બધી ટીમો અત્યાર સુધીમાં 1-1 મેચ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, આ ચારેય ટીમો હાલમાં સેમીફાઈનલની રેસમાં છે. (All Photo Credit : PTI / X)
ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































