ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારતને ટોચના 10 દેશમાં સ્થાન અપાવવાનો સંકલ્પઃ અમિત શાહ
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025”નો પ્રારંભ કરાવ્યો હતો. 2014 પહેલા દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા, મોદી સરકારના પ્રોત્સાહનને કારણે માત્ર 10 વર્ષમાં જ સ્ટાર્ટઅપની સંખ્યા વઘીને 1.92 લાખની થઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025”નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 380 ટકાથી વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે.

દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. આજે દેશમાં 1.92 લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને 120થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ 350 બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત 91માં ક્રમે હતું. તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ 2025ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ 38માં ક્રમે પહોંચ્યું છે, આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના 10 દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

અમિત શાહે વડાપ્રધાનના શબ્દોને દોહરાવતા કહ્યું હતું કે, ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લમ્સ હશે, પણ તેની સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ પણ છે. આ પ્રકારના આયોજનોથી દેશમાં ઇનોવેશનને વેગ અને દેશના યુવાનોની ક્રિયેટીવીટીને પ્લેટફોર્મ મળશે.

વર્ષ 2014 પહેલા દેશના ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા નગણ્ય હતી. આજે દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી 37 ટકા સ્ટાર્ટઅપ્સ ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાંથી આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી 48 ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે 17.90 લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે 9000 જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્ય સરકારે આપેલા પ્રોત્સાહનની ભૂમિકા પણ રજૂ કરી હતી. ગુજરાતમાં 12 હજાર 500થી વધારે સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે તેની અને ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” દ્વારા રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ્સ માટે 350 કરોડનું ફંડ ઊભું કર્યું છે તેની પણ વિગતો આપી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો