ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી સતત બીજીવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ સપ્ટેમ્બર 2021થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે છે.
15 જુલાઇ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
2017માં ગાંધીનગર સંસદીયક્ષેત્રમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.