Gold Silver Rate: રોકાણકારો આશ્ચર્યચકિત થયા! ચાંદીએ રફતાર પકડી, સોનું તેના ખરા રંગમાં જોવા મળ્યું
છેલ્લા કેટલાંક દિવસથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા રોકાણકારો ચિંતામાં મુકાયા હતા. જો કે, આજના ભાવથી રોકાણકારોમાં ખુશીની લહેર છવાઈ છે.

શુક્રવારે દિલ્હીના બુલિયન બજારમાં વાતાવરણ ગરમ રહ્યું હતું. વૈશ્વિક ઉથલપાથલ અને રોકાણકારોના વધતા રસ વચ્ચે સોનાના ભાવે રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા. આ સાથે જ ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો.

15 સપ્ટેમ્બરથી શરૂ થયેલ સપ્તાહમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ 19 સપ્ટેમ્બરના રોજ બુલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો. માત્ર એક જ દિવસમાં સોનાના ભાવ ₹800 વધીને ₹1,14,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. આ ઉછાળો વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ, અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવ તેમજ સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે થયો હતો.

ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9% શુદ્ધતા ધરાવતું સોનું ગુરુવારે ₹1,13,200 પર બંધ થયું હતું, જે શુક્રવારે વધીને ₹1,14,000 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આવી જ રીતે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ ₹700 વધીને ₹1,13,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું.

સોનાની સાથે, ચાંદીના ભાવમાં પણ વધારો થયો. શુક્રવારે, ચાંદી ₹500 વધીને ₹1,32,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ, જે અગાઉના ટ્રેડિંગ દિવસે ₹1,31,500 પ્રતિ કિલોગ્રામ હતી.

નિષ્ણાતો કહે છે કે, આ વર્ષે એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં ભારે રોકાણ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીએ ભાવને ટેકો આપ્યો છે. વધુમાં, આ વર્ષના અંત સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષાઓ પણ સોનાને વેગ આપી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું પોતાની મજબૂતાઈ બતાવી રહ્યું છે. શુક્રવારે સ્પોટ ગોલ્ડ 0.18 ટકા વધીને $3,651.18 પ્રતિ ઔંસ થયું, જ્યારે ચાંદી લગભગ 1 ટકા વધીને $42.16 પ્રતિ ઔંસ થઈ ગઈ. LKP સિક્યોરિટીઝના એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બજાર હવે આગામી સપ્તાહના યુએસ આર્થિક ડેટા પર ધ્યાન રાખી રહ્યું છે, જેમાં GDP, PMI અને PCE ભાવ ઇંડેક્સનો સમાવેશ થશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
