Government Scheme : કેન્દ્ર સરકાર તરફથી મળશે ‘ખુશખબરી’ ! જલ્દી જ શરૂ થશે એક ‘નવી યોજના’, મહિલાઓ બનશે વધુ સશક્ત અને આત્મનિર્ભર
કેન્દ્ર સરકાર મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી અનેક યોજનાઓ ચલાવી રહી છે. એવામાં 1 ઓક્ટોબરના રોજ NPS દિવસ નિમિત્તે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મહિલાઓ માટે તાલીમ અને પ્રોત્સાહન માટે અપીલ કરી હતી.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર, 2024 ના રોજ LIC વીમા સખી યોજના શરૂ કરી હતી. આ યોજનાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને લાખો મહિલાઓને રોજગાર પણ મળ્યો છે.

આવી જ રીતે, હવે કેન્દ્ર સરકાર વધુ એક નવી યોજના શરૂ કરશે તેવી માહિતી બહાર આવી છે. 1 ઓક્ટોબરના રોજ, NPS દિવસ નિમિત્તે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને "પેન્શન સખી" તરીકે મહિલાઓ માટે તાલીમ અને પ્રોત્સાહન માટે અપીલ કરી હતી.

સીતારામને જણાવ્યું હતું કે, નેશનલ પેન્શન સિસ્ટમે (NPS) ભારતમાં પેન્શન અભિગમને ઝડપથી બદલી નાખ્યો છે અને તેને તમામ વર્ગો સુધી હવે વિસ્તૃત કરવાની જરૂર છે. આ યોજનાની પહોંચ વધારવા માટે સરકાર 'પેન્શન સખી યોજના' શરૂ કરી શકે છે. આ યોજના હેઠળ, મહિલાઓને NPS વિશે જાગૃતિ ફેલાવવાનું અને નવા સભ્યો ઉમેરવાનું કાર્ય સોંપવામાં આવશે.

આ યોજના 'વીમા સખી મોડેલ'ની જેમ જ કાર્ય કરશે, જેમાં 18 થી 70 વર્ષની વયની અને ઓછામાં ઓછી 10માં ધોરણ (મેટ્રિક્યુલેશન) ની ડિગ્રી ધરાવતી મહિલાઓ પાત્ર બનશે. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, પેન્શન ફક્ત એક વિકલ્પ નથી પણ દરેક નાગરિકના વૃદ્ધાવસ્થાની સુરક્ષા માટે જરૂરી છે. 'NPS' ને એક 'જન આંદોલન' બનાવવું જોઈએ, જેથી વધુ લોકો વહેલા નિવૃત્ત થવાની આ યોજનાને અપનાવી શકે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. 18 થી 70 વર્ષની વયના કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. વધુમાં NRI પણ રોકાણ કરી શકે છે. રોકાણકારો તેમની પસંદગી મુજબ ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝનું કોમ્બિનેશન કરીને રોકાણ કરી શકે છે.

આ યોજનાએ સતત 8% થી 10% નું વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો કે, NPS ફંડ 60 વર્ષની ઉંમર સુધી ઉપાડી શકાતું નથી પરંતુ આમાં ટેક્સ છૂટ ગજબની છે. ઇન્કમ ટેક્સ એક્ટ અનુસાર 80C કલમ હેઠળ ₹1.5 લાખની અને 80CCD(1B) હેઠળ વધારાના ₹50,000 ની છૂટ મળે છે.

આ સિવાય 'વીમા સખી યોજના' એ જીવન વીમા નિગમ (LIC) દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી એક ખાસ યોજના છે. તે 18 થી 70 વર્ષની વયની મહિલાઓને લાભ આપે છે. આ યોજનામાં 10મું ધોરણ પાસ કરેલી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ યોજના હેઠળ, મહિલાઓને પહેલા ત્રણ વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે, જે દરમિયાન તેમને વીમા વિશે શીખવવામાં આવે છે.

તાલીમ દરમિયાન, તેમને પ્રથમ વર્ષે દર મહિને ₹7,000, બીજા વર્ષે દર મહિને ₹6,000 અને ત્રીજા વર્ષે દર મહિને ₹5,000 ચૂકવવામાં આવે છે. વીમા કવરેજ ઉપરાંત કમિશન પણ ચૂકવવામાં આવે છે.
બિઝનેસને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
