BPCL ના 8 લાખથી વધારે શેરહોલ્ડર્સ માટે સારા સમાચાર, રોકાણકારોને મળશે બેંકની એફ.ડી. કરતા પણ વધારે ડિવિડન્ડ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે, BPCL ના 8.17 લાખ શેરહોલ્ડર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ તેના શેરધારકો માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. BPCL એ આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, શેરહોલ્ડર્સને 21 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર ડિવિડન્ડ મળશે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે, BPCL ના 8.17 લાખ શેરહોલ્ડર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ તેના શેરધારકો માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

BPCL એ આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, શેરહોલ્ડર્સને 21 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર ડિવિડન્ડ મળશે. આજે સવારે મળેલી બોર્ડ મીટિંગ બાદ ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટોક એક્સચેન્જની જાહેરાત અનુસાર, વચગાળાનું ડિવિડન્ડ 10 રૂપિયાના દરેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ પર 210 ટકાના દરે આપવામાં આવશે. બોર્ડે આ વચગાળાના ડિવિડન્ડ માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 12 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

આજે કંપનીનો શેર વધીને 434.45 રૂપિયા પર પહોંચ્યો હતો. બજાર બંધ થયુ ત્યારે શેરના ભાવ 1.12 ટકા વધીને 429.25 પર બંધ થયો હતો. શેરમાં આ વર્ષે અંદાજે 29 ટકાનો વધારો થયો છે.

આ પહેલા BPCL એ 22 મે, 2023 ના રોજ 4 રૂપિયા ફાઈનલ પણ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જો 2022 ની વાત કરીએ તો વચગાળાના ડિવિડન્ડ 5 રૂપિયા અને ફાઈનલ ડિવિડન્ડ 6 રૂપિયા આપ્યું હતું. વર્ષ 2021 માં કુલ 5 વખત ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. જેમાં 3 વખત વચગાળાના ડિવિડન્ડ અનુક્રમે 16, 5 અને 5 રૂપિયા જાહેર કર્યું હતું. આ ઉપરાંત સ્પેશિયલ ડિવિડન્ડ 35 રૂપિયા અને ફાઈનલ ડિવિડન્ડ 23 રૂપિયા આપ્યું હતું. 2021 માં રોકાણકારોને કુલ 84 રૂપિયા ડિવિડન્ડ મળ્યું હતું.
