IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત છે. ભારતીય કેપ્ટન વિનિંગ કોમ્બિનેશનમાં ભાગ્યે જ ચેડા કરશે. તેથી, ફાઈનલમાં કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી. બીજી તરફ, ન્યુઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર મેટ હેનરી ખભાની ઈજાથી પીડાઈ રહ્યા છે. તે રમશે કે નહીં તે નિશ્ચિત નથી. જો તે સ્વસ્થ ન થાય તો કિવી ટીમ ફેરફાર કરી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ગ્રુપ સ્ટેજની જેમ સ્પિનરોનું જાળ ફેલાવતો જોઈ શકાય છે. ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી ફ્રન્ટલાઈન સ્પિનરો તરીકે રમી શકે છે જ્યારે અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા સ્પિન ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે. આ ચાર બોલરોના દમ પર, ભારતે ગ્રુપ સ્ટેજ દરમિયાન કિવી ટીમને 205 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

ત્યારબાદ વરુણ ચક્રવર્તી એક્સ ફેક્ટર સાબિત થયા અને 5 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. તે ફાઇનલમાં પણ રોહિત શર્માનો 'બ્રહ્માસ્ત્ર' બની શકે છે, કારણ કે તે એકમાત્ર બોલર છે જેને લગભગ બધી ટીમો માટે વાંચવું અશક્ય રહ્યું છે. જો વરુણ ચક્રવર્તીનો જાદુ ફરી કામ કરે તો ભારતનો વિજય નિશ્ચિત બની શકે છે.

પેસ આક્રમણની વાત કરીએ તો, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. પાવરપ્લેમાં બંનેની બોલિંગ ફરીથી મહત્વપૂર્ણ રહેશે.

રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી, ભારતીય ટીમના બધા જ બેટ્સમેન અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગ પર ધ્યાન આપવું પડશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ફિલ્ડરોએ ઘણા કેચ છોડ્યા છે, ફાઈનલમાં એક ભૂલ ટ્રોફી છીનવી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈંલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ. (All Photo Credit : PTI)
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારત-ન્યુઝીલેન્ડની થશે ટક્કર. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

































































