કાનુની સવાલ : બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયેલી ગર્ભવતી મહિલાને ભારત પાછા ફરવાની મંજૂરી કેમ મળી ? શું કહે છે ભારતનો નિર્વાસન કાનુન જાણો
સુપ્રીમ કોર્ટે એક પ્રેગ્નેટ મહિલાને બાંગલાદેશથી ભારત પરત ફરવાની મંજૂરી આપી છે. આ મહિલા તેના 8 વર્ષના દીકરા સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાની શંકાના આધારે સાથે બાંગ્લાદેશ મોકલવામાં આવી હતી. સમગ્ર કેસ વિશે જાણો

ભારતમાં એક અલગ જ પ્રકારનો કેસ સામે આવ્યો છે. 3 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે એક માનવીય આધાર પર બાંગ્લાદેશ મોકલેલી ગર્ભવતી મહિલા અને તેના બાળકને પરત લાવવાનો આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્રસરકારને કહ્યું કે, તે 9 મહિનાની ગર્ભવતી મહિલા અને તેના 8 વર્ષના બાળકને બાંગ્લાદેશમાંથી પરત લઈ આવે.

કોર્ટે કહ્યું કે,ક્યારેક ક્યારેક માનવતાની આગળ ઝુકવું પડે છે. તો કેન્દ્રે સુપ્રીમ કોર્ટેને જણાવ્યું કે, તે બાંગ્લાદેશ ડિપોર્ટ કરેલી ગર્ભવતી મહિલાને તેના 8 વર્ષના બાળક સાથે ભારત લઈ આવે અને સર્વિલાન્સમાં રાખી મેડિકલ હેલ્પ આપવામાં આવે.સોલિસિટર જનરલે કહ્યું કે ,આ સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે કરવામાં આવી રહ્યું છે. મહિલા બાંગ્લાદેશી છે પરંતુ ભારતના વીરભૂમમાં રહેતી હતી.

આ નિર્ણય બાંગ્લાદેશથી દેશનિકાલ કરાયેલા પરિવારને ભારત પરત લાવવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન આવ્યો હતો. વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને સંજય હેગડેએ કોર્ટને વિનંતી કરી હતી કે, મહિલાના પતિ અને પરિવારના અન્ય સભ્યો પણ બાંગ્લાદેશમાં છે અને તેમને ભારત પાછા લાવવાની જરૂર છે.

તો ચાલો જાણીએ આ સમગ્ર કેસ શું છે.સુનાલી ખાતુન અને તેનો પરિવાર જે પશ્ચિમ બંગાળથી આવેલો પ્રવાસી મજુર છે અંદાજે 20 વર્ષથી દિલ્હીમાં કામ કરી રહ્યો હતો. જૂન 2025માં દિલ્હી પોલીસે તેને કથિત કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાર્યવાહીના ભાગ રૂપે તેમને ઝડપી લીધા હતા. તેમને દિલ્હીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ આસામ લઈ જવામાં આવ્યા હતા અને સરહદ પર એક રાત વિતાવ્યા બાદ, બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા.

પાછા ફરવાનો પ્રયાસ કરતી વખતે, તેમને બાંગ્લાદેશના ચાપૈનવાબગંજમાં પકડી લેવામાં આવ્યા હતા અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.આ દરમિયાન, સુનાલીના પિતાએ દાવો કર્યો હતો કે, તેમનો પરિવાર લગભગ 20 વર્ષથી પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં રહે છે અને તેઓ ભારતીય નાગરિક છે. તેના આધારે, તેમણે કલકત્તા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી.

25 વર્ષની સુનાલી માટે 5 મહિના જિંદગીથી પણ લાંબા રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સુનાલી જે હવે 9 મહિનાની પ્રેગ્નટ છે અને હજુ બાંગ્લાદેશમાં ફસાયેલી છે. તે પોતાના બાળકને ભારતમાં જન્મ આપવા માંગે છે હવે સુપ્રીમ કોર્ટે માનવતાના ધોરણે બાંગ્લાદેશ મોકલવામાં આવેલી ગર્ભવતી મહિલા અને તેના બાળકને પરત લાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે

ભારતમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ, 1939 પાસપોર્ટ એક્ટ, 1967 અને નાગરિકતા એક્ટ, 1955 જેવા કાયદાઓ હેઠળ દેશનિકાલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે, જેમાં બ્યુરો ઓફ ઇમિગ્રેશન જેવી સંસ્થાઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખે છે અને તેમને અટકાયતમાં લેવા અને દેશનિકાલ કરવા માટે પગલાં લે છે.

એકવાર કોઈ વ્યક્તિને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે, પછી તેને દેશનિકાલ પ્રક્રિયાના ભાગ રૂપે અટકાયત કેન્દ્રમાં મૂકવામાં આવે છે.પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સંબંધિત દેશ સાથે સંકલન કર્યા પછી તેમને પાછા મોકલવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ઇમિગ્રેશન અને ફોરેનર અધિનિયમ 2025ના નિયમો 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા હતા. આ બિલ એપ્રિલ 2025માં સંસદમાં પસાર થયું હતું. આ બિલ હેઠળ, બ્યુરો ઓફ ઇમિગ્રેશનને ભારતમાં વિદેશી નાગરિકોની તપાસ અને કાર્યવાહી કરવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને રોકવા માટે રચાયેલ આ કાયદો અમલમાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બરના રોજ એક સૂચના જાહેર કરીને આ નિયમો સાથે બ્યુરો ઓફ ઇમિગ્રેશનને વધુ સશક્ત બનાવ્યું હતું.

આ બિલ હેઠળ, બ્યુરો ઓફ ઇમિગ્રેશન પાસે નિયમોનું ઉલ્લંઘન કરીને ભારતમાં પ્રવેશેલા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશનિકાલ કરવાનો બંધારણીય અધિકાર હશે અને તે સંબંધિત રાજ્યો સાથે સંકલન કરશે.આ નિયમો હેઠળ, કોઈપણ સંસ્થા જ્યાં વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોય, પછી ભલે તે હોટલ હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે અન્ય કોઈ સંસ્થા હોય, તેનું રજિસ્ટ્રેશન તાત્કાલિક રદ કરવામાં આવશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. અહી ક્લિક કરો
