સૂર્યકુમાર યાદવને સારા પ્રદર્શનનું મળ્યું ઈનામ, આફ્રિકા પ્રવાસમાં કરશે ટીમની કપ્તાની
વનડે વર્લ્ડ કપમાં વધુ તક ન મળતા કોઈ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહેલા સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ બાદ શરુ થયેલ T20 સીરિઝમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેનું સૂર્યાને ઈનામ પણ મળી ગયું છે. પહેલી ત્રણ મેચમાં સારી કપ્તાની સાથે મજબૂત બેટિંગના કારણે સૂર્યકુમારને BCCIએ આફ્રિકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમની કપ્તાની સોંપી છે.

સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં વર્લ્ડ નંબર 1 બેટ્સમેન છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ સફળ બેટ્સમેન છે.

સૂર્યકુમાર યાદવ T20માં બેટિંગની સાથે સારી કપ્તાની પણ કરી રહ્યો છે. હાલમાં ચાલી રહેલ ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝમાં સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ સારું પ્રદર્શન કર્યું છે.

સૂર્યાની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પહેલી બે T20માં જીત મેળવી હતી, જોકે ત્રીજી T20માં ભારતને અત્યંત રોમાંચક મેચમાં અંતિમ બોલ પર હારનો સામનો કરવા પડ્યો હતો.

પહેલી T20માં સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો, જ્યારે બીજી T20માં સૂર્યાએ 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં પણ સૂર્યાએ સારી બેટિંગ કરી હતી અને 29 બોલમાં 39 રન ફટકાર્યા હતા.

T20માં સૂર્યકુમાર યાદવની દમદાર બેટિંગની સાથે સારી કપ્તાનીના કારણે BCCIએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સૂર્યાને આફ્રિકા પ્રવાસમાં ટીમની કપ્તાની સોંપી છે. સૂર્યાને T20 ફોર્મેટમાં સતત સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે.
