IPL 2024: ત્રેવડી સદી ફટકારનાર ખેલાડી ધોનીની ટીમ ચેન્નાઈમાં જોડાશે?
19 ડિસેમ્બરે દુબઈમાં મીની હરાજીનું આયોજન કરવામાં આવશે. આ વિકલ્પ માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આઈપીએલ 2024માં ભાગ લેનારી 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી છે. ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઈઝી કેટલાક ખેલાડીઓને ખરીદીને પોતાની ટીમને મજબૂત કરવા માટે કામ કરશે.

ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2024 ધોની માટે છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. આવામાં ચેન્નાઈ સુપર કિંગ્સ આ ઓક્શનમાં કેટલાક બેસ્ટ ખેલાડીઓને સામેલ કરવાનો પ્રયાસ કરશે.

ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પિનર અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી આર અશ્વિને ટીમને લઈને મોટો દાવો કર્યો છે.

આર અશ્વિનની વાત માનીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અંબાતી રાયડુના સ્થાને કરુણ નાયરને સામેલ કરી શકે છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે જ્યાં સુધી મને લાગે છે કે ચેન્નાઈ મેનેજમેન્ટ કરુણ નાયર સાથે જવા માંગશે. રાયડુના સ્થાને કરુણ નાયર સંપૂર્ણ રીતે ફિટ ખેલાડી છે.

તમને જણાવી દઈએ કે કરુણ નાયરે ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. કરુણ નાયક વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ખેલાડી હતો. પરંતુ તેમ છતાં, તે આ ફોર્મેટમાં ભારત માટે વધુ સમય સુધી રમી શક્યો ન હતો.

ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી વહેલા બહાર નીકળી જવું પડ્યું હતું. આઈપીએલમાં પણ નાયરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો માટે રમ્યો છે. પરંતુ અત્યાર સુધી તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે.
