IND vs ENG : જાડેજાની જાળમાં ફસાયો ઈંગ્લેન્ડનો દિગ્ગજ, રેકોર્ડ 12મી વાર સ્વીકારી હાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે શ્રેણી શરૂ થઈ ગઈ છે. તેની પહેલી મેચ નાગપુરમાં રમાઈ રહી છે. મેચ દરમિયાન રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12મી વખત ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની પહેલી મેચમાં ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે 15 મહિના પછી ODI ફોર્મેટમાં કમબેક કર્યું હતું, પરંતુ આ મેચ તેના માટે સારી રહી નહીં. ભારતીય ટીમના અનુભવી સ્પિનરે તેને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યો હતો. તેણે રૂટને સસ્તામાં આઉટ કર્યો અને રેકોર્ડ બનાવ્યો હતો.

નાગપુર વનડે મેચમાં રૂટ 31 બોલમાં ફક્ત 19 રન જ બનાવી શક્યો અને રવીન્દ્ર જાડેજાના સ્પિન બોલિંગમાં ફસાઈ ગયો. આ સાથે એક અદ્ભુત રેકોર્ડ પણ બન્યો છે. હકીકતમાં, જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાડેજા સામે સૌથી વધુ વખત આઉટ થનાર બેટ્સમેન બની ગયો છે.

રવીન્દ્ર જાડેજાએ રૂટને ODI મેચમાં ચોથી વખત અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12મી વખત આઉટ કર્યો હતો. રૂટ ઉપરાંત જાડેજાએ સ્ટીવ સ્મિથને સૌથી વધુ 11 વખત અને એન્જેલો મેથ્યુઝને 10 વખત આઉટ કર્યા છે.

રવીન્દ્ર જાડેજાએ આખી મેચ દરમિયાન શાનદાર બોલિંગ કરી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તે ફોર્મમાં દેખાયો હતો. તેણે નાગપુર વનડેમાં 9 ઓવર ફેંકી અને 2.9 ની ઈકોનોમીથી માત્ર 26 રન આપીને 3 વિકેટ લીધી. આ દરમિયાન તેણે એક મેડન ઓવર પણ ફેંકી હતી.

નાગપુર વનડેમાં ત્રીજી વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ પણ પૂર્ણ કરી હતી. રવીન્દ્ર જાડેજા આવું કરનાર માત્ર પાંચમો ભારતીય બોલર છે. તેણે 411 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ મેચ પહેલા તેણે 597 વિકેટ લીધી હતી. રાશિદ તેનો 600મો શિકાર બન્યો હતો. (All Photo Credit : PTI)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે જોડાયેલ સમાચાર વાંચવા કરો ક્લિક

































































