Ahmedabad: AMCના કામની ખુલ્લી પોલ, ઘોડાસરમાં બે વર્ષ પહેલા જ બનાવેલી પાણીની ટાંકી લીક
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં બે વર્ષ પહેલા જ લોકોને પાણીની અછત ના પડે તે માટે AMCએ ઓવરહેડ પાણીની ટાંકી બનાવી હતી. જેનું ઉદ્ઘાટન પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજી ઘણી બધી જગ્યાએ પાણીનો પ્રશ્ન લોકો માટે માથાના દુઃખાવા જેવો છે અને એના માટે મહાનગર પાલિકા ભૂગર્ભ ટાંકી અને ઓવરહેડ ટાંકી બનાવે તો છે પણ આજ AMCએ બનાવેલી પાણીની ટાંકી પોતે જ AMCના કામની પોલ અને તેમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પડે છે.

અમદાવાદ પૂર્વના ઘોડાસર વિસ્તારમાં લોકોને પાણીની અછત ના પડે તેના માટે ઓવરહેડ પાણીની ટાંકી બનાવી હતી. જેનું તારીખ 25/05/2021ના રોજ પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

આ ઓવરહેડ પાણીની ટાંકી જે લોકોના પાણી ના પ્રશ્નોને હલ કરવા માટે બનાવી હતી, તે આજે લોકોને મજાક જેવી લાગી રહી છે. કારણકે આ ઓવરહેડ પાણીની ટાંકી માત્ર 2 વર્ષ કરતા પણ ઓછા સમયમાં લીકેજ થઈ ગઈ.

હાલ આ પાણીની ટાંકીનો વપરાશ થાય એ પહેલા જ તેને રીપેરીંગ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

હાલ આ પાણીની ટાંકીનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે અને ખરા ઉનાળા દરમિયાન જે પાણીની ટાંકી પાણીની અગવડથી રાહત આપવાની હતી. તે શોભાના ગાંઠીયાની જેમ લોકોની તકલીફનો મજાક ઉડાવી રહી છે.

































































