પીએમ મોદી, લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સના પ્રોજેક્ટની કરશે સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે.

‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે.

આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે.

લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો