સોનિયા ગાંધી
સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઈટલીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ તેમણે વિદેશી ભાષાની શાળામાં પ્રવેશ લીધો જ્યાં તેઓએ અંગ્રેજી, ફ્રેન્ચ તેમજ રુસી ભાષાનો અભ્યાસ કર્યો. કેમ્બ્રિજમાં જયારે તેઓ અંગ્રેજી ભાષાનો કોર્સ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી.
1968માં નવી દિલ્હી ખાતે તેમનાં લગ્ન થયા હતા. તેમને એક દિકરો રાહુલ અને દિકરી પ્રિયંકા તેમજ બે પૌત્રીઓ છે. 1998માં લોકસભાની ચૂંટણી પૂર્વે, કોંગ્રેસ પાર્ટીની માંગના પ્રત્ત્યુત્તરમાં તેઓએ જાહેરજીવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ એપ્રિલ 1998માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ બન્યાં હતા. 1999માં પહેલી વાર સોનિયા ગાંધીની પસંદગી સંસદીય ક્ષેત્ર અમેઠીના સાંસદ સભ્ય તરીકે થઈ હતી. ત્યારબાદ તેઓ લોકસભામાં વિપક્ષનાં નેતા બન્યા હતા.
2004ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓએ પક્ષનાં ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે સૌથી વધુ સીટો પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. જેના કારણે કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં સંયુક્ત સરકાર (યુપીએ) રચવામાં સફળ રહી હતી. આ ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના સંસદીય સભ્ય તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી.