કોંગ્રેસના તમામ જિલ્લાધ્યક્ષોને સોંપાશે નવી જવાબદારી, ગ્રાસરૂટ લેવલે કોંગ્રેસને વધુ મજબૂત કરવા પર CWCમાં ચર્ચા- સચિન પાયલોટ
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલી રહી છે ત્યારે બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી રહી છે તે અંગે સચિન પાયલોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બેઠકમાં દેશભરના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષોની વધુ સશક્ત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આજે ચાલી રહેલી કાર્યકારિણીના અંતે ન્યાયપથ નામથી રિઝોલ્યુશન પણ પારિત કરવામાં આવશે.
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે. ત્યારે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શું મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે તે અંગે જણાવતા સચિન પાયલોટે જણાવ્યુ કે ગાંધી સરદારની ભૂમિ પર કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન થવા જઈ રહ્યુ છે અને હાલ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની વિસ્તારીત કાર્યસમિતિની બેઠક ચાલી રહી છે. જેમા કોંગ્રેસને જમીની સ્તરે વધુ મજબૂત કરવા માટે જિલ્લાધ્યક્ષોને પહેલા કરતા વધુ સશક્ત બનાવવામાં આવશે. જિલ્લાધ્યક્ષોને વધુ રાજનીતિક તાકાત આપવામાં આવશે, તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમને સશક્ત બનાવી, બ્લોક, મંડળ, ગામો અને બુથ સુધી પહોંચવામાં વધુ મદદ મળશે.
સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર
ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસને વધુ મજબુત કરવા પર ભાર મુકવામાં આવ્યો. કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ’ની ટેગલાઈન આપવામાં આવી છે ત્યારે ન્યાયપથ નામથી રિજોલ્યુશન લાવવામા આવશે. આ રિજોલ્યુશન અંગે હાલ તમામ નેતાઓ તેમના પ્રસ્તાવો અને વિચાર રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસ 2025ના વર્ષના સંગઠન વર્ષ તરીકે જોઈ રહી છે. ત્યારે આ વર્ષમાં સંગઠનની વિચારધારાને વ્યાપક બનાવવા અને સંગઠનને વધુ મજબૂત કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી દેશમાં દબાવ, ટકરાવ અને દમનની રાજનીતિ ચાલી રહી છે. વિપક્ષના અવાજને દબાવવાની રાજનીતિ ચાલી રહી છે. ભાજપ બંધારણીય સંસ્થાઓને નીતિગત રીતે ખોખલી કરવાનું કામ કરી રહી છે. ત્યારે તેનો વિરોધ કરી રહ્યા છીએ. સમગ્ર દેશમાં આ અંગે જનચેતના લાવવામાં આવશે. કોંગ્રેસના નાનાથી લઈને મોટા સહિત તમામ નેતાઓ લોકોની વચ્ચે જશે, માસ કોન્ટેક પ્રોગ્રામ કરવામાં આવશે. લોકોનો વિશ્વાસ સંપાદિત કરવાનું કામ કરશે. સાથોસાથ આ અધિવેશન કોંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઊર્જાનો સંચાર કરશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.
ગુજરાતમાં જમીની સ્તરે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે સચિન પાયલોટે જણાવ્યુ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ મજબુત સ્થિતિમાં નથી તે વાસ્તવિક્તા છે પરંતુ જમીની સ્તરે લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેને વોટમાં કન્વર્ટ કરવા અંગે પ્રયાસો મજબૂત કરવામાં આવશે. એ તમામ મતદાતાઓને કોંગ્રેસ સાથે જોડવા પડશે અને આ અધિવેશનના માધ્યમથી એ પ્રયાસોને વધુ તાકાત મળશે.
શું છે ઉદયપુર ડિક્લેરેશન?
વર્ષ 2022માં ભાજપ સામે મજબૂત વિકલ્પ ઉભો કરવા અને કોંગ્રેસને ફરી એક વખત લોકપ્રિય પાર્ટી બનાવવાનો સંકલ્પ લઈ, કોંગ્રેસે ઉદયપુરમાં 3 દિવસીય “નવ સંકલ્પ ચિંતન શિબિર” યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસે જે નિર્ણયો લીધા, તેને “ઉદયપુર ડિકલેરેશન” તરીકે ઓળખવામાં આવે છે.
ઉદયપુર ડિક્લેરેશનના મહત્વપૂર્ણ નિર્ણયો
- એક વ્યકિત, એક પદની નીતિ: જે અંતર્ગત કોઈ નેતા માત્ર એક જ પદ પર રહી શકશે.
- મર્યાદિત કાર્યકાળ: જેમા કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 5 વર્ષ સુધી જ એક પદ પર રહી શકશે.
- યુવાઓ અને નવા ચહેરાઓને પ્રોત્સાહન: પાર્ટીના દરેક સ્તરે 50% પ્રતિનિધિત્વ 50 વર્ષની ઉંમરથી નીચેનાં નેતાઓને આપવાનો નિર્ણય
- મહિલા સશક્તિકરણ: દરેક કમિટી અને સંગઠનમાં ઓછામાં ઓછી 33% મહિલાઓનો સમાવેશ કરવાનો નિર્ણય.
- સંયુક્ત વિધાનસભા ચૂંટણી માટે યોજના: આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સામે યુનાઇટેડ ઓપોઝિશન (એકોમ્યુન લાઇન) તૈયાર કરવાનો પ્રયાસ
- ભારત જોડો યાત્રા: લોકો સાથે સીધો સંપર્ક સાધવા માટે રાહુલ ગાંધીની આગેવાનીમાં સમગ્ર ભારતમાં “ભારત જોડો યાત્રા” શરૂ કરવાનો નિર્ણય પણ અહીંથી જ લેવાયો હતો.