કોંગ્રેસની CWC માં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવા અંગે મંથન, ખરગેએ સંઘને લીધુ આડેહાથ, ભાજપને સરદારના નામે ઘેરી
કોંગ્રેસની 3.30 કલાક ચાલેલી વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે એ કરી. તેમણે ભાજપ પર રાષ્ટ્રીય નાયકોના નામે લોકોમાં ગેરસમજ ઉભી કરી ષડયંત્ર ચલાવવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેઓ સંઘ પર પણ ચાબખા મારવાનું ચુક્યા ન હતા.
ગુજરાતની ધરતી પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન એ માત્ર કોઈ સંયોગ નથી પરંતુ આયોજનબદ્ધ રીતે તૈયાર કરવામાં આવેલો પ્રયોગ છે. ગુજરાતની ધરતી પર કોંગ્રેસ સમગ્ર દેશમાં એ સંદેશ આપવા માગે છે કે પીએમ મોદીના ગઢ ગુજરાતમાંથી જ તેમને પડકારી શકાય છે અને ભાજપને માત પણ આપી શકાય છે.
પ્રિયંકાને ગુજરાતની જવાબદારી સોંપવા અંગે મંથન
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં છે ત્યારે કોંગ્રેસ હવે એ પ્રયાસોમાં લાગી ગઈ છે કે 2027ની વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણી માટે સત્તા વિરોધી લહેર ઉભી કરી શકાય. આ પરિવર્તનની શરૂઆત કોંગ્રેસ ગુજરાતથી કરવા માગે છે. આ તરફ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીને ગુજરાતની કમાન સોંપવામાં આવી શકે છે. ગુજરાતમાં પ્રિયંકાને કોઈ મોટી જવાબદારી કોંગ્રેસ સોંપી શકે છે. તેમને ઈલેક્શન કેમ્પેઈન કમિટીની ચેરપર્સન બનાવવામાં આવી શકે છે. પ્રિયંકાને આગળ કરી ભાજપને તેના જ ગઢમાં ઘેરવાની રણનીતિ કોંગ્રેસ બનાવી રહી છે.
ગુજરાતમાં ગુમાવેલો જનાધાર પરત મેળવવા કોંગ્રેસની કવાયત
એક સમયે ગુજરાત કોંગ્રેસનો ગઢ રહ્યુ હતુ. પરંતુ છેલ્લા 27 થી વધુ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકચક્રી શાસન છે. હવે ફરી એકવાર કોંગ્રેસ ગુજરાતમાં તેના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. હવે કોંગ્રેસના ગુજરાતમાં તેણે ગુમાવેલો જનાધાર પરત મેળવવા કોંગ્રેસના દિગ્ગજોએ કમર કસી છે.અમદાવાદમાં આજે કોંગ્રેસનું અધિવેશન કોંગ્રેસ વર્કિંગ કમિટીની મેરેથોન બેઠક સાથે શરૂ થયુ .જે બાદ 9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓની બેઠકમાં આગળની રણનીતિ પર મંથન કરવામાં આવશે. આજની બેઠક પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સાથે રાહુલ અને સોનિયા ગાંધીએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નમન કર્યુ હતુ.
પાર્ટી દલિત, મુસ્લિમ કરવામાં રહી ગઈ અને ઓબીસી સાથ છોડી ગઈ- રાહુલ
અમદાવાદમાં મળેલી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસની રણનીતિ પર મોટી ટિપ્પણી કરી. રાહુલે કહ્યુ કે પાર્ટી દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં રહી ગઈ. જેના પરિણામ સ્વરૂપે OBC સમુદાયે અમારો સાથ છોડી દીધો.
રાહુલ ગાંધીએ સંસદમાં જ પીએમ મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી હતી કે તમે લખી રાખો અમે ગુજરાતમાં જ તમને હરાવીશુ. જો કે અગાઉની ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તેના અડધાથી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે મળેલા છે.
સરદાર-નહેરુનુ ભૂત ફરી ધૂણ્યુ
સરદાર પટેલની ધરતી પર કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યુ હોય અને સરદારના નામે રાજનીતિ ન થાય તે તો શક્ય જ નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે આ બેઠક દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ છેલ્લા થોડા વર્ષોથી રાષ્ટ્રીય નાયકોને લઈને ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યુ છે. ભાજપ સરદાર પટેલ અને નહેરુને એકબીજાના ઘુર વિરોધી હોવાનો દાવો કરતી આવી છે. તેમણે ઉમેર્યુ કે સરદાર પટેલ RSS ની વિચારધારાના વિરોધી હતી. તેમણે RSS પર પ્રતિબંધ મુક્યો હતો. આજે RSS અને ભાજપના લોકો સરદાર પટેલની વિરાસત પર દાવો કરી રહ્યા છે. જે હાસ્યાસ્પદ છે.
સંઘ આંબેડકર વિરોધી હોવાનો ખરગેનો આરોપ
ખરગે અહીં થી જ ન અટક્યા તેમણે સંઘ પર આંબેડકર વિરોધી હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યુ જ્યારે સંવિધાન બન્યુ ત્યારે RSS એ ગાંધીજી, નહેરુ, આંબેડકર અને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. આજની CWCની અધ્યક્ષતા મલ્લિકાર્જુન ખરગેએ કરી હતી. આજની કાર્યકારિણીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને AICCના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.
ગુજરાતમાં પરિવર્તન લાવશુ- સચિન પાયલોટ
આ તકે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટે પણ ગુજરાતમાં પરિવર્તન લાવવાનો દાવો કરતા ભાજપની નીતિઓ સામે પ્રહાર કર્યા હતા. જેમા તેમણે કહ્યુ કે આજે દબાવ, ટકરાવની રાજનીતિ થઈ રહી છે. વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેની સામે કોંગ્રેસ ફ્રન્ટફુટ પર લડવાની તૈયારી કરી લીધી છે.
ત્યારે સવાલ એ પણ છે કે શું કોંગ્રેસ ગુજરાતમાં આ અધિવેશન યોજીને સમગ્ર દેશમાં એ મેસેજ પહોંચાડવા માગે છે કે ભાજપને તેના જ ગઢમાં ચેલેન્જ આપી શકાય છે. જો પ્રિયંકાને ઈલેક્શન કેમ્પેઈન કમિટીના અધ્યક્ષની કમાન ગુજરાતમાં સોપવામાં આવે તો આવનારા સમયમાં કોંગ્રેસ પ્રિયંકાને પીએમ મોદીની સામે એક કદાવર ચહેરા તરીકે પ્રેઝન્ટ કરી શકે છે.