રશિયા
વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ રશિયા સૌથી મોટો દેશ છે. 1,70,75,000 ચો કિમી. જેટલો વિસ્તાર છે. રશિયાની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક મહાસાગર, નૈર્ઋત્યે કાસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર તથા વાયવ્યમાં બાલ્ટિક સમુદ્ર જેવા જળવિસ્તારો આવેલા છે. વાયવ્યમાં ફેનોસ્કૅન્ડિયા, પશ્ચિમે યુક્રેન, નૈર્ઋત્યે આઝરબૈજાન, જ્યૉર્જિયા, બેલારુસ, લાટવિયા અને એસ્ટોનિયા આવેલ છે. જ્યારે દક્ષિણે ચીન, મૉંગોલિયા અને કઝાખિસ્તાન દેશ આવેલ છે. જ્યારે રશિયાના અગ્નિ ખૂણે ઉત્તર કોરિયા જેવા ભૂમિપ્રદેશો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ રશિયાને છ વિભાગોમાં વહેંચેલું છે. (1) કોલા-કારેલિયન પ્રદેશ (2) રશિયાનાં મેદાનો (3) યુરલ પર્વતમાળા (4) પશ્ચિમ સાઇબીરિયાનું મેદાન (5) મધ્ય સાઇબીરિયાનું મેદાન અને (6) દક્ષિણ અને પૂર્વના પર્વતો.
રશિયા વિપુલ પ્રમાણમાં વિવિધ ખનિજો અને સંચાલનશક્તિનાં સાધનો ધરાવે છે. અર્વાચીન ઉદ્યોગો માટે લગભગ બધો જરૂરી કાચો માલ દેશમાંથી જ મળે છે. યુ. એસ. એસ. આર.માંથી છૂટા પડેલા બધા દેશો પૈકી રશિયા પાસે કોલસાનો વિશાળ જથ્થો છે. દુનિયાભરમાં થતા ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં રશિયાનું સ્થાન મહત્વનું છે. તેનાં મુખ્ય ક્ષેત્રોમાં પશ્ચિમ સાઇબીરિયા અને વૉલ્ગા-યુરલ વિભાગનો સમાવેશ થાય છે. 1995ના અંદાજ મુજબ રશિયાની વસ્તી 14.7 કરોડ જેટલી છે. ઑગસ્ટ 1999થી વ્લાદિમિર પુતિનને વડાપ્રધાન તરીકે નીમ્યા હતા. ડિસેમ્બર 1999માં યેલ્તસિને રાજીનામું આપ્યા બાદ પુતિન રશિયાના પ્રમુખ બન્યા હતા. માર્ચ 2000માં થયેલી ચૂંટણીમાં પુતિન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા ત્યારથી અત્યાર સુધી થયેલી ચૂંટણીમાં વ્લાદિમિર પુતિન રાષ્ટ્રપતિ તરિકે ચૂંટાયા છે.