કર્ણાટક
કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ છે. કર્ણાટક રાજ્યમાં કુલ 27 જિલ્લાઓ છે. 1970 સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ તે પછી તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો અને કર્ણાટક રાજ્યની રચના થઇ હતી.
કર્ણાટકનો કુલ વિસ્તાર 1,91,44,621 હેક્ટર છે. 8,71,698 હેક્ટર ન ખેડી શકાય તેવી વેરાન જમીન છે. ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાયેલી જમીન 5 % જેટલી છે. ખેતી માટેની જમીન 8 % છે. ખેતી સિવાય અન્ય વૃક્ષોવાળી જમીન 2 % છે. કુલ જમીનના લગભગ 53 %થી 55 % વિસ્તારમાં ખેતી થાય છે.
આ રાજ્યની કુલ વસ્તીના 56 ટકા લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, જુવાર, રાગી, મકાઈ, બાજરી, ઘઉં, કઠોળ, મગફળી, સૂર્યમુખી, કપાસ, શેરડી અને તમાકુ છે. ભારતના ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 5.59 ટકા છે. બૅંગલોર કર્ણાટકની રાજધાની છે. આ સિવાય મૅંગલોર, કારવાર, બેલગામ, ધારવાડ, બિજાપુર, ગુલબર્ગ, કોલર, મૈસૂર, રાયચુર, બેલારી વગેરે મોટાં શહેરો આવેલાં છે.