રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી
ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.

ભારતીય રેલવે ફરી એકવાર મુસાફરો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસ નેટવર્કના વિસ્તરણને વેગ આપતા રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સંચાલનને મંજૂરી આપી છે.
આ ટ્રેનોની શરૂઆતથી રાજ્યો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે અને મુસાફરોને ઝડપી, સલામત તેમજ આરામદાયક મુસાફરીનો અનુભવ પણ મળશે. આ નવી ટ્રેનો સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની કુલ સંખ્યા 164 થશે.
નવી ટ્રેનો આ રૂટ પર દોડશે
- બેંગલુરુ (કેએસઆર)-એર્નાકુલમ (કર્ણાટક અને કેરળ વચ્ચે મુસાફરી ઝડપી અને સરળ બનાવશે)
- ફિરોઝપુર કેન્ટ-દિલ્હી (પંજાબને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડશે)
- વારાણસી-ખજુરાહો (ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે પ્રવાસન અને વ્યવસાયિક મુસાફરીને વેગ આપશે)
- લખનૌ-સહારનપુર (ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ તરફ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે)
વંદે ભારત ટ્રેનોની વિશેષતા
- સલામતી માટે કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે.
- આ ટ્રેનો 180 કિમી/કલાકની ડિઝાઇન ગતિ અને 160 કિમી/કલાકની કાર્યકારી ગતિએ દોડવા સક્ષમ છે.
- AC યુનિટમાં યુવી-સી લેમ્પ-આધારિત ડિસઇન્ફેકશન સિસ્ટમ હશે.
- Shock-free couplers, સીલબંધ ગેંગવે અને ઓટોમેટિક પ્લગ દરવાજા જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- બધા કોચ સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એલાર્મ બટનો અને ટોક-બેક યુનિટથી સજ્જ છે.
- વિકલાંગ મુસાફરો માટે ખાસ શૌચાલયની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે.
ટ્રેન ઓક્યુપન્સી
રેલવે મંત્રાલયના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માં વંદે ભારત ટ્રેનોની ઓક્યુપન્સી 102.01% હતી, જ્યારે નાણાકીય વર્ષ 2025-26 (જૂન સુધી) માં તે વધીને 105.03% થઈ ગઈ છે.
આ લોન્ચ શા માટે મહત્વપૂર્ણ છે?
આ નવી ટ્રેનો દેશના વિવિધ ભાગો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે, રેલ મુસાફરીને વધુ આરામદાયક બનાવશે અને અગાઉ અવગણવામાં આવેલા રૂટ પર વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. રેલવેએ જણાવ્યું છે કે, લોન્ચ તારીખ અને વિગતવાર સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
