સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત, જિલ્લા નિરીક્ષકોની ટીમની કરાઈ રચના
કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં સત્તા મેળવવા માટે કમર કસી છે. એઆઈસીસીનુ રાષ્ટ્રિય અધિવેશન અમદાવાદમાં યોજ્યા બાદ, લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં આવેલા પ્રદેશ કાર્યાલયે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા દિઠ પાંચ સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે.
અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષે, રાષ્ટ્રીય સંગઠનમાં આમૂલ ફેરફાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. જેની શરુઆત ગુજરાતથી કરવામાં આવી છે. સંગઠન ક્ક્ષાએ નવા બદલાવના ભાગ રૂપે, રાહુલ ગાંધીએ આજે અમદાવાદ આવીને પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં, ગુજરાતના દરેક જિલ્લાસ્તરે પાંચ પાંચ સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં, નિરીક્ષકોને પ્રથમ બેઠકમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ગુજરાતનાં 4 નિરીક્ષકની ટીમ બનાવવામાં આવી છે. 10 દિવસમાં નિરીક્ષકો કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સંસદસભ્યો, પૂર્વ સંસદસભ્યો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યોને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા અને મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોંગ્રેસના જિલ્લા પંચાયત અને વર્તમાન નેતાઓને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. પ્રથમ રિપોર્ટમાં જે તે જિલ્લાની કોંગ્રેસની સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવશે. આગામી 45 દિવસમાં જિલ્લા સંગઠનને અંતિમ રૂપ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.