Vagharelo Rotlo Recipe : કાઠિયાવાડી સ્ટાઈલમાં ઘરે બનાવો વઘારેલો રોટલો, એક વાર ખાશો વારંવાર કરશો યાદ
શિયાળામાં બાજરીનું સેવન ખૂબ જ લાભદાયક છે. બાજરીની અલગ અલગ પ્રકારની વાનગી બનાવી શકાય છે. તો આજે કાઠિયાવાડી સ્ટાઈલમાં કેવી રીતે વઘારેલો રોટલો સરળતાથી બનાવી શકાય તેની રેસિપી જાણીશું.

કાઠિયાવાડી સ્ટાઈલમાં સ્વાદિષ્ટ વઘારેલો રોટલો બનાવવા માટે બાજરીના રોટલા, દહીં, એક ઝીણું સમારેલું ટામેટું, લીલા મરચા, લસણ, લાલ મરચુ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મીઠા લીમડાના પાન, સ્વાદ અનુસાર મીઠું, પાણી સહિતની સામગ્રીની જરુર પડશે.

બાજરીના રોટલા ઠંડા થાય પછી તેના ટુકડા કરી દો અથવા ક્રશ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું, હિંગ ઉમેરો. ત્યારબાદ તેલમાં મીઠા લીમડાના પાન અને કાપેલા લીલા મરચા ઉમેરો.

હવે લસણ અને ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી તેને સારી રીતે સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણા કાપેલા ટામેટા ઉમેરી સાંતળી લો. હવે મીઠું અને મરચું નાખો. પછી તમે ઈચ્છો તો લસણની ચટણી નાખી બરાબર મિક્સ કરી લો.

આ તમામ મસાલો બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ ધીમા ગેસ પર થવા દો. હવે ક્રશ કરેલો બાજરીના રોટલા ઉમેરો. ત્યારબાદ તેમાં દહીં અથવા છાશ ઉમેરી તરત જ ગેસ બંધ કરીને બરાબર મિક્સ કરી લો.

હવે વઘારેલો રોટલો તૈયાર છે. તમે રોટલાને તમારા સ્વાદ અનુસાર સ્પાઈસી બનાવી શકો છો. તમે વઘારેલા રોટલા પર કોથમરી નાખી સર્વ કરી શકો છો. તેમજ ડિનરમાં અથવા નાસ્તામાં પણ સેવન કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































