પાકિસ્તાનને IMF એ આપેલી લોન કરતા પણ વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સનું પીએમ મોદી ગુજરાતમાં કરશે લોકાર્પણ-ખાતમૂહર્ત
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ઘૂળ ચાટતું કર્યાં બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિભાગો હેઠળ ₹ 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડ થી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં બનાસકાંઠામાં ₹888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, ₹678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.