મુકેશ અંબાણી લોકોને સસ્તામાં આપશે ગ્રીન અને ક્લીન એનર્જી, જાણો આખો પ્લાન
મુકેશ અંબાણીએ ભારતના ઊર્જા ભવિષ્ય અને 'નવા ભારત' પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ગ્રીન એનર્જી, ખાસ કરીને સૌર ઊર્જાની અદભૂત ક્ષમતા પર ભાર મૂક્યો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતના ઊર્જા ભવિષ્ય અને ‘નવા ભારત’ના બદલાતા દ્રશ્ય પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન તેમણે ગ્રીન એનર્જી, સૌર ઊર્જાની ક્ષમતા અને દેશના યુવાનોની વધતી આકાંક્ષાઓ વિશે વાત કરી.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભારત હવે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સૌર ઊર્જા અંગેની પરંપરાગત માન્યતાઓને પડકારતા તેમણે કહ્યું કે હવે સૌર ઊર્જા ફક્ત ચાર કલાકનું બળતણ નથી. ભારત પોતાની સ્થાનિક ઊર્જા સમસ્યાઓના ઉકેલની ખૂબ નજીક પહોંચી ગયું છે અને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો ઉકેલ સૌર ઊર્જા દ્વારા શક્ય બનશે.

ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક નવું મોડેલ રજૂ કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કેવી રીતે ગ્રીન અને ક્લીન એનર્જી મોટી માત્રામાં અને સસ્તા દરે ઉપલબ્ધ કરાવી શકાય, તે રિલાયન્સ દુનિયાને બતાવશે.

પોતાના પિતા અને રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીને યાદ કરતા તેમણે કંપનીની સ્થાપનાનો મૂળ હેતુ પણ સમજાવ્યો. મુકેશ અંબાણીએ જણાવ્યું કે ધીરુભાઈ અંબાણીએ ભારતના લોકોના જીવનની ગુણવત્તા સુધારવાના એકમાત્ર ઉદ્દેશ સાથે રિલાયન્સની સ્થાપના કરી હતી. ભારત અને ભારતીયોએ આગળ વધવું જોઈએ. આ જ વિચારધારાથી રિલાયન્સની શરૂઆત થઈ હતી.

આજના બદલાતા ભારત વિશે બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે, આપણે હવે ‘નવા ભારત’ના યુગમાં પ્રવેશી ગયા છીએ. તેમણે દેશના યુવાનો પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નવું ભારત સપના જોનારાઓથી ભરેલું છે, જ્યાં લાખો સપનાઓ આજે હકીકતમાં પરિવર્તિત થઈ રહ્યા છે.
રિલાયન્સના શેરમાં વર્ષ-દર-વર્ષે આટલો મોટો ઉછાળો..જાણવા માટે અહીં ક્લિક કરો..
