History of city name : અડી કડી વાવના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
અડી કડી વાવ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલા પ્રાચીન ઉપરકોટ કિલ્લાની અંદર સ્થિત એક ઐતિહાસિક વાવ છે. તેના નિર્માણનો ચોક્કસ સમયકાળ સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી.

જૂનાગઢમાં ચાલુક્ય અથવા સોલંકી શાસનકાળ દરમિયાન મૂળરાજ તથા સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ કિલ્લો અને ખેંગાર વાવ સંબંધિત વિવાદ ઉભો થયો હતો. બાદમાં, 15મી સદીમાં ચુડાસમા વંશે સત્તા સંભાળી, ઉપરકોટનું પુનઃનિર્માણ કરાવ્યું અને સાથે અડીકડી વાવ તથા નવઘણ કુવાની રચના પણ કરાવી.

એક માન્યતા પ્રમાણે રાણકદેવીની બે દાસીઓ, અડી અને કડી, દરરોજ આ વાવમાંથી પાણી ભરવા આવતી હતી. તેમના નામ પરથી જ આ વાવને 'અડી-કડી વાવ' તરીકે ઓળખાવા લાગી. આજેય અહીં આવેલા વૃક્ષ પર લોકો અડી અને કડીની સ્મૃતિમાં કપડાં અને બંગડીઓ ચઢાવે છે.

સ્થાનિક ઈતિહાસકાર પરિમલ રૂપાણી જણાવે છે કે અડી-કડી વાવ હકીકતમાં બે જુદી વાવો હતી. હાલ દેખાતી વાવ 'અડી વાવ' તરીકે જાણીતી છે, જ્યારે 'કડી વાવ' હજુ સુધી જમીનની અંદર છે.

અડી કડી વાવ નંદા પ્રકારની વાવ તરીકે ઓળખાય છે. તેનું નિર્માણ પરંપરાગત રીતે કરવામાં આવ્યું નથી, પરંતુ સીધા જ કુદરતી શિલામાં કોતરીને બનાવવામાં આવ્યું છે. કૂવાના તળિયે પહોંચવા માટે સાંકડી પરસાળમાં કુલ 166 પગથિયાં છે. ઉપરના ભાગે પાતળા શિલા પડમાંથી નાની બારી કોતરવામાં આવી છે. દિવાલોમાં ખડકો ધોવાઈ ગયેલા સ્પષ્ટ દેખાય છે. લગભગ 123 ફૂટ ઊંડા આ કૂવામાં અન્ય વાવની જેમ થાંભલા કે કોતરણી કામ નથી. (Credits: - Wikipedia)

ગુજરાતમાં એક કહેવત પ્રચલિત છે કે ‘આદી કડીની વાવ એને નવઘણ કુવો, જે ના જુવે તે જીવતો મુઓ ’ અર્થાત્ આ ઐતિહાસિક સ્થળોને જોયા વગરનું જીવન અધૂરું માનવામાં આવે છે. (Credits: - Wikipedia)

અડી કડી વાવને ફક્ત પાણી ભરવાના સ્ત્રોત તરીકે જ નહીં, પરંતુ જૂનાગઢના સમૃદ્ધ ઇતિહાસ, લોકકથાઓ અને સાંસ્કૃતિક માન્યતાઓના પ્રતિનિધિ રૂપે પણ જોવામાં આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
